- ઓસ્ટ્રેલિયા, દુબઈ, જર્મની, યુએસએ અને કેનેડા સહિત વિશ્વના 14 દેશ તેમજ ભારતના 14 રાજ્યના 40 શહેરમાંથી બહેનોએ સૈનિકો માટે રાખડીઓ વડોદરા મોકલવામાં આવી
- 68000 રાખડીમાંથી આશરે 40000 રાખડીઓ બહેનો-બાળકોએ પોતાના હાથે બનાવી છે
માતૃભૂમિની અખંડિતતાના રક્ષણ કાજે હિમાલયની બરફીલી ચોકીઓથી લઈને થરના ધગધગતા રણપ્રદેશ સુધી રાત-દિવસ ખડેપગે ફરજ બજાવતા દેશના વીર જવાનો માટે રક્ષાબંધનનો તહેવાર માત્ર એક કૌટુંબિક પર્વ ન રહેતા વ્યાપક રાષ્ટ્રભાવનાનું સંકેતચિહ્ન બની રહ્યો છે. વડોદરા સહિત સમગ્ર વિશ્વમાં વસતી ભારતવંશી બહેનો દ્વારા પવિત્ર રક્ષાબંધન નિમિત્તે સ્નેહ, આદર અને કૃતજ્ઞતાથી સભર કલાત્મક રાખડીઓ સરહદ તરફ રવાના કરવામાં આવી રહી છે.
![]()
વડોદરાના એક ભૂતપૂર્વ શિક્ષકે શરૂ કરેલું અનોખું રક્ષાબંધન અભિયાન આજે વટવૃક્ષ બની ચૂક્યું છે. સંજય બચ્છાવે વર્ષ 2015માં માત્ર 75 રાખડી મોકલીને આ દેશભક્તિપૂર્ણ અભિયાનની શરૂઆત કરી હતી. આજે 12મા વર્ષે આ અભિયાન અંતર્ગત દેશના વીર જવાનો માટે 68000થી વધુ રાખડીઓ એકત્રિત કરવામાં આવી છે.
આ મહાઅભિયાનમાં તેમના 500થી વધુ પૂર્વ વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકો સક્રિય રીતે જોડાયેલા છે. આ વર્ષે રક્ષાબંધનના પર્વ નિમિત્તે ઓસ્ટ્રેલિયા, દુબઈ, જર્મની, યુએસએ અને કેનેડા સહિત વિશ્વના 14 દેશ તેમજ ભારતના 14 રાજ્યના 40 શહેરમાંથી બહેનો અને નાગરિકો દ્વારા સૈનિકો માટે રાખડીઓ મોકલવામાં આવી છે. વિશેષ વાત એ છે કે આ 68000 રાખડીઓમાંથી આશરે 40000 રાખડીઓ બહેનો અને બાળકો દ્વારા પોતાના હાથે બનાવવામાં આવી છે. રાખડી બનાવવા સ્વયં સેવક તરીકે સેવા આપનાર પંખી શુક્લએ જણાવ્યું હતું કે, આ મારો પહેલો અનુભવ છે. તેને સાંભળ્યું હતું કે, દેશના વીર જવાનો માટે અહીંથી રાખડીઓ મોકલવામાં આવે છે આ વર્ષે તે જાતે અહીં આવી અને સેવા આપી. આ સેવામાં આનંદનો અતિરેક જોવા મળ્યો હોવાનું તેને ઉમેર્યું હતું.
રાખડીની સાથે સાથે `તમારી ઉપસ્થિતિ છે તો જ અમારી હોળી અને દિવાળી સલામત છે જેવા આભારપત્રો અને ગ્રીટિંગ કાર્ડ્સ પણ જોડવામાં આવ્યા છે. દરેક રાખડીની પાછળ મોકલનારનું નામ અને ફોન નંબર લખવામાં આવે છે, જેથી સરહદ પર તૈનાત જવાનને જાણી શકે કે તેમને આ પ્રેમસૂત્ર કોણે મોકલ્યું છે. રાખડી સાથે જવાનો પ્રત્યે કૃતજ્ઞતા અને આભાર વ્યક્ત કરતા લાગણીસભર પત્રો, સંદેશાઓ અને રક્ષાબંધનનું મહત્વ દર્શાવતા ગ્રીટિંગ કાર્ડ્સ પણ જોડવામાં આવ્યા છે. ઘણી વખત રાખડી મળ્યા બાદ જવાનો બહેનોને ફોન કરીને આભાર માને છે અને કેટલાક ઉચ્ચ અધિકારીઓ તથા જવાનો બહેનો માટે રિટર્ન ગિફ્ટ પણ મોકલતા હોય છે. આ અભિયાન સરહદ પરના સૈનિકો અને દેશના નાગરિકો વચ્ચે એક અતૂટ ભાવાત્મક સેતુ નિર્માણ કરી રહ્યું છે.


