- ઇન્દિરા આવાસમાં મહાકાળી મંદિરની પાછળના ભાગમાં આવેલા અનેક મકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા, ચારેય તરફ પાણી ફરી વળતા રહીશો માટે મકાનોની બહાર નીકળવું મુશ્કેલ બન્યું
વડોદરા શહેરમાં ગઈકાલે સમગ્ર રાત્રિ દરમિયાન મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. રાત્રિના સમયે અવિરત પડેલા ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા તેમજ અનેક રહેણાંક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. અચાનક આવી પડેલા વરસાદી પાણીના કારણે શહેરના ભાયલી વિસ્તારમાં આવેલા ઈન્દિરા આવાસ ક્ષેત્રે ગંભીર પરિસ્થિતિ નિર્માણ પામી હતી.
ભાયલીના ઇન્દિરા આવાસમાં મહાકાળી મંદિરની પાછળના ભાગમાં આવેલા અનેક મકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. ઈન્દિરા આવાસના મકાનોમાં અચાનક પાણી ઘૂસી જવાના કારણે લોકોની ઘરવખરી, અનાજ અને અન્ય કિંમતી સામાન પલળી જતાં વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું. આ વિસ્તારમાં ચારેય તરફ પાણી ફરી વળતા રહીશો માટે પોતાના મકાનોની બહાર નીકળવું પણ અત્યંત મુશ્કેલ બની ગયું હતું.
આખી રાત સ્થાનિક લોકોએ પાણીનો નિકાલ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો અને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જો કે, વહેલી સવારથી વરસાદનું જોર ઘટતા સ્થાનિકોએ થોડી રાહત અનુભવી છે. વરસાદ રોકાતાં હવે ધીમે-ધીમે પાણી ઓસરવાના શરૂ થયા હતા. તંત્ર દ્વારા આ નિચાણવાળા વિસ્તારોમાંથી પાણીના ઝડપી નિકાલ માટે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.


