4 વર્ષના પ્રેમ બાદ લગ્ન કરનાર પત્નીને રસ્તા પર એકલી મૂકી પતિ ફરાર, ગભરાયેલી યુવતીએ અભયમની મદદ માંગી

સમાધાનના બહાને બોલાવી ત્યજી દીધી, અભયમે કાઉન્સેલિંગ બાદ આશ્રયની વ્યવસ્થા કરી

MailVadodara.com - Husband-absconds-leaving-his-wife-whom-he-married-after-a-four-year-relationship-stranded-on-the-street

- જામનગરથી સમાધાનના બહાને વડોદરા બોલાવી પતિ પત્નીને ફરવા લઈ ગયો અને જમાડ્યા પછી કામે જાઉં છું કહી રસ્તા પર એકલી મૂકી ગાયબ થઈ ગયો હતો, અભયમની ટીમે સુરક્ષિત સ્થળે ખસેડી

ચાર વર્ષના પ્રેમસંબંધ બાદ લગ્ન કરનાર યુવતી સાથે પતિ દ્વારા છેતરપિંડી અને ત્યજી દેવાનો બનાવ સામે આવ્યો છે. જામનગરથી સમાધાનના બહાને વડોદરા બોલાવ્યા બાદ પતિ પત્નીને ફરવા લઈ ગયો અને જમાડ્યા પછી કામે જાઉં છું કહી રસ્તા પર એકલી મૂકીને ગાયબ થઈ ગયો હતો. મુશ્કેલીમાં મુકાયેલી યુવતીએ 181 અભયમ હેલ્પલાઈનની મદદ લેતા અભયમની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી યુવતીને સુરક્ષિત આશ્રય અપાવ્યો હતો.

અભયમની ટીમે યુવતીનું લાઈવ લોકેશન મેળવી કાઉન્સેલિંગ હાથ ધરતા જામનગરની રહેવાસી યુવતીએ ચાર વર્ષના પ્રેમસંબંધ બાદ ત્રણ મહિના પહેલાં જ યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. ત્યારબાદ બંને ટ્રાવેલિંગના વ્યવસાય અર્થે વડોદરા સ્થાયી થયા હતા. યુવતીએ પોલીસ કોન્સ્ટેબલ ભરતીની દોડની પરીક્ષા પાસ કરી હતી. પરંતુ પતિએ નોકરી કરવાની જરૂર નથી તેમ કહી રાજકોટ ખાતે યોજાનારી લેખિત પરીક્ષા આપવા જવા દીધી ન હતી. એક અઠવાડિયા પહેલા પતિએ દારૂના નશામાં મારપીટ કરતા યુવતી કંટાળીને પોતાના પિયર જામનગર જતી રહી હતી.

ત્યારબાદ પતિએ ફોન પર પોતાની ભૂલ સ્વીકારી સમાધાનની વાત કરી હતી અને હવેથી ક્યારેય ઝઘડો ન કરવાની ખાતરી આપી યુવતીને વડોદરા પાછી બોલાવી હતી. વડોદરા આવ્યા બાદ બંને સાથે ફર્યા અને સાથે જમ્યા હતા. જમ્યા પછી પતિએ થોડું કામ છે તેમ કહી પત્નીને રસ્તા પર ઉભી રાખીને જતો રહ્યો હતો. લાંબા સમય સુધી પરત ન આવતા યુવતીએ ફોન કરવાનો પ્રયાસ કર્યો પરંતુ પતિનો ફોન સતત સ્વિચ ઓફ આવતો હતો.

અજાણ્યા શહેરમાં મોડી રાત્રે નિરાધાર બનેલી યુવતીએ આખરે 181 અભયમ મહિલા હેલ્પલાઈન પર કોલ કર્યો હતો. મોડી રાત્રે જામનગર જવા માટે કોઈ ટ્રેન કે બસની સુવિધા ન હોવાથી અભયમની ટીમે યુવતીનું કાઉન્સેલિંગ કરી સાંત્વના આપી હતી. યુવતીની સંમતિ મેળવી તેને સુરક્ષા અને આશ્રય માટે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે સલામત રીતે ખસેડવામાં આવી હતી, જ્યાં હાલ તેને જરૂરી રહેઠાણ, સહાય અને સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે.

Share :

Leave a Comments