માત્ર 3 ઇંચ વરસાદે પોલ ખોલી, બિલ-કેનાલ રોડ પર મસમોટો ખાડો પડતાં કાર ખાબકી, સ્થાનિકોમાં રોષ

વરસાદી પાણીના નિકાલનો અભાવ, ચૂંટણી બાદ પ્રતિનિધિઓ ન દેખાતાનો આક્ષેપ

MailVadodara.com - Just-3-inches-of-rain-exposed-the-poor-quality-of-work-a-car-plunged-into-a-massive-pothole-on-the-Bil-Canal-Road

- છેલ્લા 5 વર્ષથી નિયમિત વેરો ભરવા છતાં રસ્તાઓ પર સ્ટ્રીટલાઇટ, ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલ જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાનો સ્થાનિક યુવકે આક્ષેપ

- CM પોર્ટલ પર 36 ફરિયાદ નોંધાવી, તંત્ર તરફથી ફંડ નથીનો એકસરખો જ જવાબ મળે છે

બિલમાં કાર ફસાતા પિતા-પુત્રનો બચાવ, વાઘોડિયા અને અકોટામાં ભૂવા પડયા

વડોદરા શહેરમાં આજે 3 ઇંચ ઉપરાંત વરસાદ ખાબક્યો હતો. જેને પગલે બિલ કેનાલ રોડ પર પ્રકૃતિવિલા પાસે રોડ પર મસમોટો ખાડો પડ્યો હતો. આ ખાડામાં કાર ખાબકી હતી. જેને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. છેલ્લા પાંચ વર્ષથી કોર્પોરેશનનો વેરો અને અન્ય તમામ ટેક્સ નિયમિત ભરતા હોવા છતાં રસ્તાઓ પર સ્ટ્રીટલાઇટ, ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલ જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાનો સ્થાનિક યુવકે આક્ષેપ કર્યો છે.


સ્થાનિક યુવકે જણાવ્યું હતું કે, અમે છેલ્લા 5 વર્ષથી કોર્પોરેશન વેરો અને તમામ ટેક્સ નિયમિતપણે ભરીએ છીએ અને આ વિસ્તાર VMCમાં આવી ગયો છે, છતાં અહીં કોઈ જ પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ નથી. આ વિસ્તારમાં એક-એક કરોડના બંગલા હોવા છતાં રસ્તાઓ પર લાઈટ નથી, ડ્રેનેજની સુવિધા નથી અને વરસાદી કાંસની પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. દર વખતે રસ્તાઓની સ્થિતિ આવી જ બિનસંતોષકારક રહે છે, છતાં તંત્ર માત્ર ટેક્સ વસૂલવા જ આવે છે. મેં પોતે CM પોર્ટલ પર 36 વખત ફરિયાદો નોંધાવી છે, પરંતુ તંત્ર તરફથી 'ફંડ નથી' એવો જ એકસરખો જવાબ મળે છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સ્થાનિક કોર્પોરેટરોને પણ વારંવાર રજૂઆતો અને ફોન કરવામાં આવ્યા છે. પહેલાં ટ્વિંકલબેન હતા ત્યારે પણ વાત કરી હતી અને અત્યારે સ્મિત કે અન્ય પ્રતિનિધિઓ સાથે પણ વાત કરી છે. પરંતુ કોઈ જ કામ કરવામાં આવતું નથી. તેઓ માત્ર ચૂંટણી સમયે વોટ માગવા આવે છે અને પછી વિસ્તારમાં ડોકાતા પણ નથી. રસ્તાઓ પર અંધારપટ હોવાથી મોટું જોખમ રહેલું છે. બપોરના સમયે કંઈ થાય તોય મુશ્કેલી પડે છે, ત્યારે જો રાત્રિના સમયે કોઈ ઘટના બને તો ખબર પણ ન પડે તેવી ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

Share :

Leave a Comments