માંજલપુર પેટાચૂંટણી પૂર્વે વડોદરા શહેર પોલીસ એલર્ટ, હોટલ અને ગેસ્ટહાઉસમાં સઘન ચેકિંગ હાથ ધરાયું

શંકાસ્પદ વ્યક્તિ અંગે તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા સૂચના

MailVadodara.com - Vadodara-City-Police-on-alert-ahead-of-the-Manjalpur-by-election-intensive-checks-conducted-at-hotels-and-guesthouses

- પોલીસે ગેસ્ટ રજિસ્ટર, રોકાયેલા મહેમાનોના ઓળખપત્રો, હોટલના રેકોર્ડ, વિદેશી નાગરિકોની C-ફોર્મ નોંધ, CCTV કેમેરા, મુલાકાતીઓની એન્ટ્રી સહિત દસ્તાવેજો ચકાસ્યા


વડોદરામાં માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેરમાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અસામાજિક કે શંકાસ્પદ તત્વો હોટલ અથવા ગેસ્ટહાઉસમાં આશરો ન લઈ શકે તે માટે વડોદરા શહેર પોલીસે વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ અને ગેસ્ટહાઉસમાં વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધર્યું છે.

આગામી માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણી તેમજ શહેરની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ અને ગેસ્ટહાઉસમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી. જિતીયાના નેતૃત્વ હેઠળ એસ.ઓ.જી. અને ડી.સી.બી.ના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓએ સંયુક્ત રીતે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ અને ગેસ્ટહાઉસની તપાસ કરી હતી. આ દરમિયાન ગેસ્ટ રજિસ્ટર, રોકાયેલા મહેમાનોના ઓળખપત્રો, હોટલના રેકોર્ડ, વિદેશી નાગરિકોની C-ફોર્મ નોંધ, CCTV કેમેરાની કામગીરી, મુલાકાતીઓની એન્ટ્રી સહિત જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી.


ચેકિંગ દરમિયાન હોટલ સંચાલકોને રોકાયેલા મહેમાનોની ઓળખની યોગ્ય ચકાસણી કરીને તેની નિયમિત નોંધ રાખવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત કોઈપણ વ્યક્તિને માન્ય ઓળખકાર્ડ વિના રૂમ ફાળવવો નહીં, તમામ ગ્રાહકોની વિગતો નિયમિત રીતે નોંધવી, CCTV સિસ્ટમ સતત કાર્યરત રાખવી તેમજ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ અથવા પ્રવૃત્તિ અંગે તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા સૂચના આપવામાં આવી હતી.

વડોદરા શહેર પોલીસે નાગરિકોને પણ અપીલ કરી છે કે, તેમની આસપાસ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ, શંકાસ્પદ પ્રવૃત્તિ અથવા ત્યજી દેવાયેલી શંકાસ્પદ વસ્તુ નજરે પડે તો તેની જાણ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ (112) અથવા નજીકના પોલીસ સ્ટેશનને કરે, જેથી સમયસર કાર્યવાહી કરી શહેરમાં શાંતિ અને સુરક્ષા જાળવી શકાય.

Share :

Leave a Comments