- સ્થાનિકોએ કહ્યું કોર્પોરેટરો ફક્ત ચૂંટણી સમયે જ મત માંગવા આવે છે, ચૂંટણી પત્યા પછી કોઈ કામ થતું નથી, કામ માટે કરગરવું પડે છે છતાં કોઇ ઉકેલ આવતો નથી
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલા રંગવાટિકા વિસ્તારમાં ભારે વરસાદ બાદ વરસાદી પાણી સાથે ડ્રેનેજના ગંદા પાણી પણ રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જતાં અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. ઘરોમાં પાણી ભરાતા દૈનિક જીવન પ્રભાવિત થયું છે અને ગંદકીના કારણે રોગચાળાનો ભય પણ ઊભો થયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ સમસ્યા અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.

સ્થાનિક રાજેશભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, અહીં કેટલાય વર્ષોથી ગટર અને રસ્તાઓની ગંભીર સમસ્યાઓ છે. કોર્પોરેટરો ફક્ત ચૂંટણી સમયે જ મત માંગવા અને હાથ જોડવા માટે અહીં આવે છે. તે વખતે રસ્તા અને ગટરો સાફ કરાવી દેવાના મોટા મોટા વાયદાઓ કરવામાં આવે છે, પરંતુ ચૂંટણી પત્યા પછી કોઈ કામ થતું નથી. જ્યારે પણ સોસાયટીમાં આવી સમસ્યાઓ ઊભી થાય છે, ત્યારે અમારે જ તેમની સામે કરગરવું પડે છે છતાં કોઈ ઉકેલ આવતો નથી.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મારા જેવા દિવ્યાંગ અને નોકરિયાત લોકોને નોકરી પરથી રજાઓ રાખીને ઘરે બેસવું પડે છે. રોજનું 700થી 800 રૂપિયાનું કમાણીનું નુકસાન થાય છે, જેની ભરપાઈ કોર્પોરેટર કરવા આવવાના નથી. ઘરમાં ગટરના પાણી ઘૂસી જવાથી ખાવા-પીવાની, રસોઈ બનાવવાની અને ઊંઘવાની ગંભીર તકલીફો ભોગવવી પડે છે. નેતાઓ પોતાના એસી ઘરોમાં આરામથી રહે છે અને વોટ આપીને ચૂંટનારા સામાન્ય લોકોને આટલી હેરાનગતિ ભોગવવી પડે છે.
સ્થાનિક ગીતાબેને જણાવ્યું હતું કે, આ ગણેશનગર વિસ્તાર છે, જ્યાં ગટરના ગંદા પાણી ઘરમાં ઘૂસી ગયા છે. ઘરમાં અનાજ અને ખાવા-પીવાની બધી વસ્તુઓ ખરાબ થઈ ગઈ છે અને રાતનું ખાવાનું પણ બન્યું નથી. આ ગંદા પાણીની દુર્ગંધ વચ્ચે નાના બાળકો સાથે રહેવું મુશ્કેલ બની ગયું છે. મહાનગરપાલિકામાં રજૂઆત કરી હતી, તો ગઇકાલે ટીમ આવીને જોઈને જતી રહી હતી અને વરસાદ રોકાયા પછી કામ કરવાનું કહ્યું હતું. પરંતુ અત્યાર સુધી કોઈ પાછું આવ્યું નથી કે ફોન પણ ઉપાડતા નથી.
તેઓએ કહ્યું હતું કે, અહીં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. મારો દીકરો પગેથી ઈજાગ્રસ્ત છે, તેના પગ પર પાટો બાંધેલો છે. ગટરના પાણી ઘરમાં ભરાઈ જવાને કારણે તેનો પાટો પણ પલળી ગયો અને છોડી નાખવો પડ્યો હતો. આવા ગંદા પાણી અને દુર્ગંધ વચ્ચે બાળકોને સાચવવા અને દિવસો વિતાવવા અમારા માટે ખૂબ જ તકલીફદાયક બની ગયું છે.


