પ્રતાપનગરમાં પૂરઝડપે આવેલી બ્રેઝા કારે આમલેટની લારીને અડફેટે લેતા આધેડને ગંભીર ઇજા; ચાલક ફરાર

ગોકુલનગર સોસાયટી સામે લારીને કારે જોરદાર ટક્કર મારતાં માલ-સામાન વેરવિખેર થઈ ગયો

MailVadodara.com - Middle-aged-man-seriously-injured-after-a-speeding-Brezza-car-rammed-into-an-omelette-cart-in-Pratapnagar-driver-fled-the-scene

- ઇજાગ્રસ્ત ગોપાલભાઇ ચૌધરીને સયાજી હોસ્પિટલ ખસેડાયા, ઘટનાને પગલે ગોપાલભાઈને માથા ઉપરાંત છાતી, પેટ, બંને પગ અને કમરના ભાગે ગંભીર ઈજાઓ તથા મુઢ માર વાગ્યો

- અકસ્માત સર્જનાર કાર ચાલક વોર્ડ 12ના ઉપપ્રમુખ સમીરકુમાર પટેલ હોવાનું સામે આવ્યું


વડોદરા શહેરના પ્રતાપનગર ડેરી મેઈન રોડ પર ગઈકાલે રાત્રે એક બેફામ બ્રેઝા કાર ચાલકે લારી સાથે અકસ્માત સર્જ્યો હતો. ગોકુલ નગર સોસાયટી સામે આવેલી 'દીપ આમલેટ' નામની લારી પર પૂરઝડપે આવી ચડેલી કારે જોરદાર ટક્કર મારતાં લારીનો તમામ માલ-સામાન વેરવિખેર થઈ ગયો હતો. આ ઘટનામાં લારી પર કામ કરતા 56 વર્ષીય આધેડ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


આ ઘટના દંતેશ્વર વિસ્તારમાં આવેલી દ્વારકાદાસ ચાલીમાં રહેતા 56 વર્ષીય ગોપાલભાઈ બિન્દુસિંઘ ચૌધરી છેલ્લા પાંચ વર્ષથી આ આમલેટની લારી પર વાસણ ધોવાનું મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત રાત્રે સાડા નવ વાગ્યાના સુમારે તેઓ લારીના માલિક રવિન્દ્રસિંઘ રામચંદ્ર ભદોરીયા સાથે કામ પર હતા. તે વખતે હજીરા પ્રતાપનગર ત્રણ રસ્તા તરફથી આવેલી સફેદ કલરની બ્રેઝા કારના ચાલકે ગફલતભરી રીતે કાર હંકારી લારીને ધડાકાભેર ટક્કર મારી હતી. કારની ટક્કરથી લારીનો કડૂસલો બોલી ગયો હતો અને આશરે રૂ.35 હજારનું આર્થિક નુકસાન થયું હતું.


અકસ્માત એટલો ભયાનક હતો કે કાર અથડાતાં જ લારી સીધી ગોપાલભાઈ પર પડી હતી, જેથી તેમના માથાના ભાગે ચામડી ઊખડી જતાં ભારે લોહી વહી રહ્યું હતું. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. રાહદારીઓએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કરીને ઈજાગ્રસ્ત ગોપાલભાઈને માંજલપુર સ્થિત ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમના માથાના ભાગે 16 જેટલા ટાંકા લીધા હતા. ત્યારબાદ વધુ સારવાર અર્થે તેમને વડોદરાની સરકારી 'એસ.એસ.જી. હોસ્પિટલ' ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતા.


ઘટનાસ્થળે લોકોએ પૂછપરછ કરતાં લારીને ટક્કર મારનાર બ્રેઝા કારના ચાલકનું નામ સમીરકુમાર ગિરીશભાઈ પટેલ હોવાનું બહાર આવ્યું હતું. એસ.એસ.જી. હોસ્પિટલમાં તબીબોએ પ્રાથમિક તપાસ બાદ જણાવ્યા મુજબ, ગોપાલભાઈને માથા ઉપરાંત છાતી, પેટ, બંને પગ અને કમરના ભાગે ગંભીર ઈજાઓ તથા મુઢ માર વાગ્યો છે. પોલીસે આ મામલે કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.


આ અકસ્માત સર્જનાર કાર ચાલક વોર્ડ નંબર 12 ના ઉપ પ્રમુખ સમીરકુમાર ગિરીશભાઈ પટેલ હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો, જો કે પોલીસે આ કાર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Share :

Leave a Comments