ભાયલીમાં મંદિર મુદ્દે અથડામણ, 25થી 30 લોકોએ રહીશો પર લાકડીઓ-દંડા વડે જીવલેણ હુમલો કર્યો

ગોત્રી પોલીસમાં સામસામે ફરિયાદ નોંધાઈ, લાકડીઓ વડે હુમલાના આક્ષેપ સાથે તપાસ શરૂ

MailVadodara.com - Clash-over-a-temple-in-Bhayli-25-to-30-people-launched-a-life-threatening-attack-on-residents-using-sticks-and-rods

- મંજૂરી અને સહીઓ મુદ્દે વિવાદ વધ્યો, મહિલાઓ સહિત પરિવાર પર હુમલાના આક્ષેપ

વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી 'અર્બન રેસિડન્સી' સોસાયટીમાં ગત મોડી રાત્રે મંદિર નિર્માણના આંતરિક વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. સોસાયટીના જ કેટલાક લોકો દ્વારા બહારથી બોલાવાયેલા 25થી 30 લોકોના ટોળાએ સ્થાનિક રહીશો પર લાકડીઓ અને દંડા વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં મહિલાઓ સહિત એક જ પરિવારના અનેક સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ ચોંકાવનારી ઘટના અંગે ગોત્રી પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


સોસાયટીના સ્થાનિક રહીશ મીનાક્ષીબેન પરમારે સમગ્ર વિવાદની વિગતો આપતા જણાવ્યું હતું કે, સોસાયટીમાં 11 સભ્યોની કમિટી હોવા છતાં નિયમ મુજબ કોઈ ઠરાવ પસાર કરવામાં આવ્યો નહોતો કે કોઈ જાહેર બેઠક બોલાવાઈ નહોતી. સોસાયટીના સંજયભાઈ અને તેમની પત્ની સહિત 4-5 મહિલાઓ ઘરે-ઘરે જઈને મંદિર માટે સહીઓ કરાવતા હતા. રહીશોએ જ્યારે પૂછ્યું કે, મંદિર ક્યાં બનવાનું છે અને તેની પરવાનગી લીધી છે કે નહીં, ત્યારે કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નહોતો.

તેમણે વધુમાં ઉમેર્યું કે, મંદિર માટે જે જગ્યા પસંદ કરાઈ છે ત્યાં સોસાયટીની પાણીની મુખ્ય લાઈન અને ટાંકીઓ આવેલી છે, જેથી ભવિષ્યમાં મરામત મુશ્કેલ બને તેમ છે. અડધી સોસાયટી આ નિર્ણયની વિરુદ્ધમાં હોવા છતાં, સંજયભાઈએ બજરંગ દળના લોકોને ખોટી માહિતી આપીને બોલાવી લીધા હતા. અમે તો માત્ર શાંતિથી ચર્ચા કરવા ગયા હતા પરંતુ, બહારથી આવેલા લોકોએ અમારા પર હુમલો કરી દીધો. અમારો વિરોધ મંદિરનો નથી, અમે પણ હિન્દુ છીએ અને પૂજા-પાઠ કરીએ છીએ; અમારો વિરોધ સોસાયટીના આંતરિક મામલામાં બહારના લોકોને લાવીને કરાતી દાદાગીરી સામે છે.


આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા સ્થાનિક રહીશ ચેતન રોહિતે તંત્ર અને હુમલાખોરો સામે આક્રોશ ઠાલવતા જણાવ્યું કે, સોસાયટીના 'ઈ-ટાવર' પાસે એક બેઠક ચાલી રહી હતી અને હું ત્યાં શાંતિથી ઊભો હતો. તે સમયે સંજયભાઈ અને તેમના પરિવારે ફોન કરીને બજરંગ દળના લોકોને બોલાવ્યા. તે લોકો સીધા મારી પાસે આવ્યા અને મારપીટ શરૂ કરી દીધી. તેઓ જાતિસૂચક અપશબ્દો બોલીને કહેવા લાગ્યા કે, 'તારો શું પ્રશ્ન છે? તું નીચી જ્ઞાતિનો છે, તું મંદિર બનાવવાનો વિરોધ કેમ કરે છે?' મેં તેમને કહ્યું કે હું પણ હિન્દુ છું અને શાંતિથી વાત કરો, છતાં 25થી 30 લોકોના ટોળાએ મારા મોટા ભાઈ, નાના ભાઈ, માતા, બહેન અને પત્ની પર લાકડીઓ વડે ઘાતકી હુમલો કર્યો હતો.


ઇજાગ્રસ્ત રહીશોએ સ્થાનિક પોલીસની ભૂમિકા સામે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ચેતન રોહિતે આક્ષેપ કર્યો છે કે, જ્યારે આ સમગ્ર હિંસક ઘટના ઘટી રહી હતી ત્યારે ગોત્રી પોલીસના કર્મચારીઓ ઘટનાસ્થળે હાજર હતા. આટલું મોટું ટોળું લાકડીઓ ફટકારી રહ્યું હોવા છતાં પોલીસે હુમલો અટકાવવાનો કોઈ પ્રયાસ કર્યો નહોતો અને તેઓ માત્ર મૂકપ્રેક્ષક બની તમાશો જોતા રહ્યા હતા. રહીશોએ સવાલ કર્યો છે કે, જો પોલીસ જ નાગરિકોની સુરક્ષા નહીં કરે તો સામાન્ય જનતા કોના ભરોસે રહેશે? હાલ આ મામલે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને રહીશો ન્યાયની માંગ કરી રહ્યા છે.

Share :

Leave a Comments