વડોદરામાં કૃષ્ણા સ્કાયવીલા પ્રોજેક્ટમાંથી રૂપિયા 8.37 લાખના કોપર વાયરના 19 બોક્સ ચોરાયા

હરણી કેનાલ રોડ પર આવેલી બિલ્ડરની સાઇટને ચોરોએ નિશાન બનાવી

MailVadodara.com - 19-boxes-of-copper-wire-worth-8-37-lakh-stolen-from-the-Krishna-Skyvilla-project-in-Vadodara

- સ્ટોરરૂમનું તાળું તોડી ચોરી કરાઈ, ગેલેરીમાં માત્ર ખાલી બોક્સ મળ્યા

- સીસીટીવીના આધારે તસ્કરોની શોધખોળ શરૂ, એન્જિનિયર વાયર લેવા પહોંચતા ઘટનાની જાણ થઇ

વડોદરાના હરણી કેનાલ રોડ પર આવેલી કૃષ્ણા સ્કાયવીલા પ્રોજેક્ટમાં ચોરોએ બિલ્ડરની સાઇટને નિશાન બનાવી રૂ.8.37 લાખના આર.આર.કેબલના કોપર વાયરના 19 બોક્સની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે હરણી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાવી પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના વારસિયા વિસ્તારમાં રહેતા બિલ્ડર વિનય અનિલભાઈ છુટાણીએ નોધાવેલી ફરિયાદ મુજબ હરણી કેનાલ રોડ પાસે કૃષ્ણા સ્કાયવીલા નામની રહેણાંક સાઈટ ચાલી રહી છે. ફ્લેટ નંબર-202નો ઉપયોગ સાઇટ પરના સામાનના સ્ટોર તરીકે કરવામાં આવતો હતો.

ગત 5 જૂન, 2026ના રોજ ફ્લેટના ઇલેક્ટ્રિકલ વાયરિંગ માટે રૂ.8,37,045ની કિંમતના આર.આર. કેબલના કોપર વાયરના 19 બોક્સ ફ્લેટ નંબર-202માં મૂકી રૂમને તાળું મારવામાં આવ્યું હતું. ત્યારબાદ 1 જુલાઈના રોજ સાઇટ પર ઇલેક્ટ્રિકલ કામ શરૂ કરવા એન્જિનિયર કેયુર પટેલ વાયર લેવા પહોંચ્યા ત્યારે રૂમમાંથી તમામ કોપર વાયર ગાયબ હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન ગેલેરીમાં માત્ર ખાલી બોક્સ જ મળી આવ્યા હતા.

બિલ્ડર અને તેમના પિતાએ સમગ્ર સાઇટ પર શોધખોળ કરી છતાં વાયરનો કોઈ પત્તો ન લાગતા અજાણ્યા તસ્કરો સામે હરણી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રૂ.8.37 લાખના કોપર વાયરની ચોરીનો ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે આરોપીઓને શોધવાની કાર્યવાહી શરૂ કરી છે.

Share :

Leave a Comments