છાણીમાં પત્ની સાથે મિત્રતાની શંકાએ યુવક ઉપર તલવારથી જીવલેણ હુમલો, બે ભાઇ સામે ફરિયાદ

છાણીમાં બે ભાઈનો જૂની અદાવતમાં મિત્ર પર તલવારથી હુમલો

MailVadodara.com - Man-attacked-with-a-sword-in-Chhani-over-suspicion-of-a-friendship-with-the-assailants-wife-complaint-filed-against-two-brothers

- લોકો ભેગા થતાં હુમલાખોરો ભાગી છૂટ્યા, હુમલામાં યુવકને માથા-ગરદન સહિત ગંભીર ઇજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

વડોદરાના છાણી વિસ્તારમાં જૂની અદાવત અને શંકાને કારણે યુવક પર તલવારથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. હુમલામાં યુવકને માથા, ગરદન અને હાથ સહિતના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

ફરિયાદ મુજબ છાણી ગામના રુદ્ર એન્કલેવમાં રહેતા 26 વર્ષીય વરિન્દરસિંગ લખબીર સિંગ ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે. લગભગ એક વર્ષ પહેલાં મિત્ર સુખરાજસિંગ સંધુ સાથે ટ્રકના ધંધામાં ભાગીદારી કરી હતી. તે દરમિયાન સુખરાજસિંગની પત્ની મનપ્રીત કૌર સાથે મિત્રતા થતા સુખરાજસિંગને શંકા ગઈ હતી અને આ મુદ્દે બંને વચ્ચે અગાઉ પણ અનેક વખત બોલાચાલી અને ઝઘડા થયા હતા.

ઘટનાના દિવસે વરિન્દરસિંગ પોતાના મિત્ર સાથે રેલવે સ્ટેશન પાછળ આવેલા બ્રાન્ડ ફેક્ટરી મોલમાં ગયો હતો, જ્યાં સુખરાજસિંગ અને તેની પત્ની મળ્યા હતા અને જૂની અદાવતને લઈ બોલાચાલી થઈ હતી. ત્યારબાદ રાત્રે છાણી વિસ્તારમાં આવેલી ચેતના ચાઇનીઝ લારી પાસે વરિન્દરસિંગ એકલો હતો ત્યારે સુખરાજસિંગ અને તેનો ભાઈ કરણસિંગ તલવાર લઈને ધસી આવ્યા હતા.

બંને ભાઈઓએ જાનથી મારી નાખવાના ઇરાદે વરિન્દરસિંગના માથા, કપાળ, જમણા હાથના કાંડા તથા ડાબી બાજુ ગરદન પર તલવારના ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડી હતી. હુમલા બાદ વરિન્દરસિંગ જીવ બચાવવા દોડી ગયો હતો. લોકો ભેગા થતાં હુમલાખોરો સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા.

બાદમાં ઇજાગ્રસ્ત પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો, જ્યાંથી તેને 108 એમ્બ્યુલન્સ મારફતે છાણીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની સારવાર ચાલી રહી છે. પોલીસે ફરિયાદના આધારે સુખરાજસિંગ સંધુ અને કરણસિંગ સંધુ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments