- પરશુરામ ભઠ્ઠા સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન
- નીચાણવાળા વિસ્તારોમાં વાહનોચાલકો અટવાયા, આજે શહેર માટે યલો એલર્ટ જાહેર

વડોદરામાં લાંબા વિરામ બાદ સોમવારે(6 જુલાઈ) મોડી સાંજ બાદ વરસાદ વરસવાની શરૂઆત થઇ હતી. ધીમી ધારે શરુ થયેલા વરસાદે એક કલાકમાં ભારે બેટિંગ કરી નાખી હતી. એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાતા લોકોએ પ્રથમ વરસાદમાં હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

વડોદરામાં લાંબા વિરામ બાદ ગત રાત્રે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી, જેમાં માત્ર એક કલાકના ટૂંકા ગાળામાં જ એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. વરસાદના આ પ્રથમ રાઉન્ડમાં જ સ્માર્ટ સિટી વડોદરાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. માત્ર એક ઇંચ વરસાદમાં શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.


ખાસ કરીને શહેરના પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ એક ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનો બંધ પડી ગયા હતા અને લોકોને ઘરોની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું. વડોદરા શહેરમાં વરસાદના કારણે ખિસકોલી સર્કલ પાસે પણ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. વાહનો ધીમી ગતિએ ચાલતા હોવાના કારણે ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો..

સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે જો માત્ર એક કલાકના નજીવા વરસાદમાં આ પ્રકારની વિકટ પરિસ્થિતિ સર્જાતી હોય, તો હજુ તો આખું ચોમાસું બાકી છે ત્યારે આગામી દિવસોમાં શહેરની શું હાલત થશે? વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતા પ્રી-મોન્સૂન કામગીરીના મોટા-મોટા દાવાઓ આ પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. વરસાદ ધીમી ધારે શરુ થયો હતો જો કે પાણીના નિકાલ માટેની વ્યવસ્થા પૂરતી ન હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે.

હવામાન વિભાગ દ્વારા આજે સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે વડોદરામાં પણ આજે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વડોદરાવાસીઓ હાલ તો વરસાદની રાહ જોઈ રહ્યા છે પરંતુ આ વરસાદ આફત બનીને ન આવે તેવી પણ પ્રાર્થના કરી રહ્યા છે.


