માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી, ભાજપે ઉમેદવારની પસંદગીના ભાગરૂપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી

માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો

MailVadodara.com - For-the-Manjalpur-Assembly-constituency-by-election-the-BJP-has-initiated-the-sense-process-as-part-of-its-candidate-selection

- સેફ ગણાતી બેઠક માટે ડઝનબંધ દાવેદારી, રાજ્યના વરિષ્ઠ નેતાઓ અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી, બળવંતસિંહ રાજપુત સહિતની નિરીક્ષકની પેનલ, હાઇકમાન્ડ દ્વારા પેનલ મોકલાઈ

વડોદરાની હાઈપ્રોફાઈલ ગણાતી માંજલપુર વિધાનસભા બેઠકની આગામી પેટાચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. આ બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારની પસંદગી પ્રક્રિયાના ભાગરૂપે વડોદરા ખાતે નિરીક્ષકોની ઉપસ્થિતિમાં સેન્સ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ભાજપ માટે સેફ ગણાતી બેઠક માટે ડઝનબંધ આગેવાનોએ દાવેદારી નોંધાવી છે.

ભાજપ હાઈકમાન્ડ દ્વારા આ જવાબદારી રાજ્યના વરિષ્ઠ નેતાઓ અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી, કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત તેમજ પ્રદેશ અગ્રણી સીતાબેન નાયકને સોંપવામાં આવી છે. આ ત્રણેય નિરીક્ષકો વડોદરા ખાતે આવી પહોંચ્યા છે અને સ્થાનિક કાર્યકરો, હોદ્દેદારો તેમજ દાવેદારોને સાંભળવાની ઔપચારિક પ્રક્રિયાનો પ્રારંભ કરી દીધો છે. નિરીક્ષકો સમક્ષ વડોદરા ભાજપના જુદા જુદા સંગઠનો અને મોરચાના આગેવાનો પોતાના મનપસંદ ઉમેદવાર માટે રજૂઆતો કરી રહ્યા છે, જેના આધારે એક પેનલ તૈયાર કરી પ્રદેશ સ્તરે મોકલવામાં આવશે.

આ સેન્સ પ્રક્રિયા દરમિયાન માંજલપુર બેઠક પરથી ચૂંટણી લડવા માટે અનેક સ્થાનિક નેતાઓએ ઉત્સુકતા દર્શાવી છે, જેમાં મહિલા મોરચાના દાવેદારે સૌનું ધ્યાન ખેંચ્યું છે. વડોદરા શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર સ્નેહલ પટેલ આજે સત્તાવાર રીતે નિરીક્ષકો સમક્ષ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામ પટેલ, શહેર ભાજપના પૂર્વ મહામંત્રી જસવંતસિંહ સોલંકી અને માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પોતાની મજબૂત દાવેદારી નોંધાવી છે. આગેવાનોએ પૂર્ણેશ મોદી, બળવંતસિંહ રાજપુત અને સીતાબેન નાયક સમક્ષ પક્ષમાં કરેલી વર્ષોની કામગીરી અને તેમના પ્રદાનને રજૂ કરીને ટિકિટ માટે ન્યાયિક માંગણી કરી છે.

માંજલપુર બેઠક પરંપરાગત રીતે ભાજપનો ગઢ ગણાય છે, જેથી આ બેઠક પર ટિકિટ મેળવવા માટે સ્થાનિક સ્તરે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે. નિરીક્ષકો દ્વારા તમામ દાવેદારો અને સ્થાનિક આગેવાનોનો અભિપ્રાય લીધા બાદ આ અહેવાલ ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે, જ્યાં આખરી ઉમેદવારના નામ પર મહોર મારવામાં આવશે.

કેટલાક પ્રભાવશાળી નામો રેસમાં હોવાની ચર્ચા છે, પરંતુ મહિલા મોરચાના પ્રમુખની સક્રિયતાએ આ ચૂંટણી જંગને વધુ રસપ્રદ બનાવી દીધો છે. આગામી દિવસોમાં ભાજપના મોવડી મંડળ દ્વારા કોના નામ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવે છે તેના પર સમગ્ર વડોદરાના રાજકીય વર્તુળોની નજર ટકેલી છે.

Share :

Leave a Comments