- તાંદલજા વિસ્તારમાં રહેતા મેમણ પરિવારની અઢી વર્ષની દીકરીને ન્યુમોનિયાની બીમારીને કારણે સયાજી હોસ્પિટલના પીડિયાટ્રીક વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી
વડોદરા શહેરની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સયાજી હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગમાં વહીવટી તંત્રની લાપરવાહી અને બેદરકારીનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. આ વિભાગમાં સારવાર હેઠળ રહેલી અઢી વર્ષની બાળકીનો લોખંડનો પલંગ તૂટી જતાં તે નીચે પડી હતી, જેના કારણે તેના માથામાં ગંભીર ઈજાઓ થઈ અને ટાંકા લેવાની નોબત આવી નહોતી. આ ઘટના બન્યા બાદ હોસ્પિટલ તંત્ર દ્વારા બનાવને દબાવવાના અને તેને સામાન્ય ઘટના તરીકે રજૂ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતા મેમણ પરિવારની અઢી વર્ષની દીકરીને ન્યુમોનિયાની બીમારીને કારણે સયાજી હોસ્પિટલના પીડિયાટ્રીક વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. બાળકી જે પલંગ પર સૂતી હતી તે લોખંડનો પલંગ અચાનક તૂટી ગયો. પરિણામે, બાળકી જમીન પર પડી, જેના કારણે તેના માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા ટાંકા લેવાની ફરજ પડી હતી. સદનસીબે, બાળકીનો જીવ બચી ગયો પરંતુ, જો આ ઘટનામાં મૃત્યુ થયું હોત તો તેની જવાબદારી કોણ લેત? આવા સવાલો બાળકીના વાલીઓ અને સગાસંબંધીઓ દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે.
આ ઘટનાએ પીડિયાટ્રીક વિભાગના HOD અને હોસ્પિટલ તંત્રની બેદરકારીને ઉજાગર કરી છે. હોસ્પિટલ વહીવટ દાવો કરે છે કે, તેમના તમામ વોર્ડમાં આધુનિક સાધનો અને વ્યવસ્થિત પલંગોની સુવિધા છે. જોકે, આજે પણ કેટલાક વોર્ડમાં જૂના, ખખડધજ અને લોખંડની પટ્ટીવાળા પલંગોનો ઉપયોગ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. આ બેદરકારીનો ભોગ ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ બની રહ્યા છે.
આ ઘટના સયાજી હોસ્પિટલના પીડિયાટ્રીક વોર્ડમાં વહીવટી લાપરવાહી અને નબળી વ્યવસ્થાનું સચોટ ઉદાહરણ છે. બાળકીના પરિવારજનો દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલો હવે હોસ્પિટલ તંત્રની જવાબદારી અને જનતાના સ્વાસ્થ્ય પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા પર પ્રશ્નચિહ્ન ઉભું કરે છે.
આ અંગે અમે પીડિયાટ્રિક વિભાગના હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટનો સંપર્ક કર્યો. જોકે, તેઓએ કોલ ઉપાડવાની તસ્દી ન લીધી હતી અને અને આ બાબતને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે અમે સયાજી હોસ્પિટલના RMO ડો. હિતેન્દ્ર ચૌહાણ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે, આ વિગતો મને મળી છે. આ બાબતની ચકાસણી જે-તે વોર્ડ ઇન્ચાર્જની હોય છે ત્યારે તેઓને આ બાબતે સૂચનો આપીશું.