- તમામ ઇજાગ્રસ્તોને મોટા ફોફળિયા સીએચસી ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા
- ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી, અકસ્માતમાં કોઇ જાનહાનિ નહીં
વડોદરા જિલ્લાના કરજણથી સાધલી તરફ જઈ રહેલી ST બસ રોડની બાજુમાં ઉતરી વૃક્ષ સાથે અથડાઈ હતી. જેમાં 7 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. આ તમામ ઇજાગ્રસ્તોને મોટા ફોફળિયા CHC ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. સદનસીબે આ અકસ્માતમાં જાનહાનિ ટળી ગઈ હતી.
તાજેતરમાં સાધલીથી કરજણનો રસ્તો નવો બનાવવામાં આવ્યો છે અને તેના ઉપર હજુ સફેદ પટ્ટા મારવામાં આવ્યા નથી. આ ઉપરાંત રોડની બંને તરફ આશરે 1.5 મીટર સાઈડ સોલ્ડરીંગ મેટલનું કામ બાકી છે, તેના બદલે ઇજારદાર દ્વારા બાજુમાં માત્ર કાળી માટી નાખીને રોડની બાજુના ખાડા પૂર્યા છે. આજે કરજણ ડેપોથી ઉપડેલી એસ.ટી. બસ સાધલી નજીક પહોંચી હતી ત્યારે રોડની ડાબી સાઈડ પર ઉતરી ગઈ હતી અને બસ વૃક્ષ સાથે અથડાઈ હતી અને વૃક્ષ પડી જતાં બસમાં બેઠેલા 7 વ્યક્તિઓને નાની-મોટી ઈજા થઈ છે.
અકસ્માતની જાણ થતા આવતા જતા લોકો અને વાહનચાલકો દોડી ગયા હતા અને શિનોર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે રસ્તાનો ટ્રાફિક દૂર કર્યો હતો. આ દરમિયાન 108 એમ્બ્યુલન્સ પણ પહોંચી ગઈ હતી. જેથી ઈજાગ્રસ્તોને મોટા ફોફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. દવાખાને ડ્રાઇવર સહિત તમામને સારવાર આપવામાં આવી હતી. જેમાંથી બે લોકોને વધુ ગંભીર ઇજા હોવાથી વડોદરા રીફર કરવામાં આવ્યા છે.