- 25 વર્ષ પહેલા ગુનો આચરનાર ચોરનો લુક હાલ બદલાઇ ગયો હોવાથી પોલીસે ત્રણ દિવસ વોચ ગોઠવી તપાસ કરતાં આરોપી આઝાદઅલી આઇ.એ. સ્ક્રેપ ટ્રેડર્સમાંથી ઝડપ્યો હતો
વડોદરા નજીક પોરની એક દુકાનમાં ૨૫ વર્ષ પહેલાં ચોરી કરીને ફરાર થયા બાદ મકરપુરા જીઆઇડીસીમાં છુપાયેલા ચોરને વરણામા પોલીસે ઝડપી પાડયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ પોરમાં આવેલા શીવ કોમ્પ્લેક્સમાં કામોદનારાયણ રામદેવ ઝાની દુકાનની બહાર મૂકેલ જનરેટર અને વેલ્ડિંગ મશીન મળી કુલ રૂા.૨.૭૫ લાખ કિંમતની ચોરીની ફરિયાદ વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. આ ચોરીના ગુનામાં એકની પોલીસે અગાઉ ધરપકડ કરી મુદ્દામાલ પણ રીકવર કર્યો હતો. આ ચોરીના ગુનામાં મૂળ ઉત્તર પ્રદેશનો આઝાદઅલી સાકીરઅલી શેખ ફરાર હતો.
આ દરમિયાન ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટેની કવાયતના ભાગરૂપે પોલીસે આઝાદઅલીને શોધી કાઢવા માટે પોર જીઆઇડીસીમાં તપાસ હાથ ધરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે, હાલ તે મકરપુરા જીઆઇડીસીમાં રહી કામ કરે છે. ૨૫ વર્ષ પહેલા ગુનો આચરનાર ચોરનો લુક પણ હાલ બદલાઇ ગયો હોવાથી વરણામા પોલીસે ત્રણ દિવસ સુધી મકરપુરા જીઆઇડીસીમાં વોચ ગોઠવી તપાસ હાથ ધરતાં આઝાદઅલી આઇ.એ. સ્ક્રેપ ટ્રેડર્સમાંથી ઝડપાયો હતો.