- વેપારી બેભાન થતાં હાથમાં પહેરેલી બે સોનાની વીંટી કિંમત 1.20 લાખ, ખિસ્સામાંથી 2400 રોકડા-બેગમાં મુકેલી સાડી મળી 1.22 લાખનો મુદ્દામાલ ચોરી આરોપી બસમાંથી ઊતરી ગયો
બસમાં મુસાફરી કરી રહેલા સુરતના વેપારીને ઘેનયુક્ત બિસ્કીટ ખવડાવી બાજુમાં બેઠેલો ઠગ મુસાફર બે સોનાની વીંટી સહિત રૂપિયા 1.22 લાખનો મુદ્દામાલ ચોરી કરી રસ્તામાંથી ઉતરી ફરાર થઇ ગયો હતો. આ બનાવ અંગે વેપારીએ ભાનમાં આવ્યા બાદ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
મળેલી માહિતી પ્રમાણે, દિનેશકુમાર રતનલાલજી સોની (ઉં - 53) રહે. પુણાગામ, સુરત) વેપારી છે. તેઓ 22, એપ્રિલના રોજ બસમાં મુસાફરી કરી રહ્યા હતા. તે દરમિયાન બસમાં તેમની આગળ બેઠેલા શખ્સે તેમની બાજુની સીટ પર આવી વાતચીત કરી મિત્રતા કેળવી હતી. તે બાદ અજાણ્યા શખ્સે પડીકામાંથી બિસ્કીટ ખાઇને પુરૂ કર્યું હતું. ત્યાર બાદ બિસ્કીટનું બીજું પડીકું કાઢીને ફરિયાદીને ખાવા આપ્યું હતું.
વેપારી દિનેશકુમાર સોનીએ બિસ્કીટનું બટકું મારતા જ તેઓ બેભાન થઇ ગયા હતા. ત્યાર બાદ અજાણ્યા ઠગ મુસાફરે પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને વેપારીએ હાથમાં પહેરેલી બે સોનાની વીંટી રૂપિયા 1,20,000, પેન્ટના ખિસ્સામાં મુકેલા રૂપિયા 2,400 રોકડા અને બેગમાં મુકેલી સાડી મળીને કુલ રૂપિયા 1,22,000નો મુદ્દામાલ ચોરી લીધો હતો. આ ઘટના બાદ વેપારી ભાનમાં આવતા હાથમાં પહેરેલી વીંટી અને સામાન ન જોતાં ચોંકી ઉઠ્યા હતા. આ દરમિયાન દિનેશકુમાર સોનીએ અજાણ્યા ઠગ મુસાફર સામે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. કરજણ પોલસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.