- બાળક ખાડામાં પડતા સાથે રમી રહેલા બાળકોએ બુમરાણ મચાવતા સ્થાનિકોએ દોડી આવ્યા હતા, એક યુવાને ખાડામાં ઉતરી બાળકને સહીસલામત બહાર કાઢી લીધો હતો
- ધીમી ગતિએ કામ ચાલી રહ્યું હોવાના સ્થાનિકોનો આક્ષેપ, ખાડા ફરતે બેરીકેટ લગાવવાની માંગ કરી તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે રોષ ઠાલવ્યો, કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા માંગ કરી
વડોદરાના આજવા રોડ એકતાનગર પાસે પાલિકા દ્વારા પાણીની લાઇન નાંખવાનું કામ કરવામાં આવી રહ્યું છે. પાણીની લાઇન નાંખવાની આ કામગીરી માટે ખોદવામાં આવેલા 20 ફૂટ જેટલા ઊંડા ખાડામાં મોડી રાત્રે રમતા રમતા એક બાળક પડી ગયું હતું. જોકે, બાળકની ચીસો સાંભળી દોડી આવેલા સ્થાનિક યુવાનોએ બાળકને બચાવી લીધુ હતુ. આ ઘટના અંગે સ્થાનિક લોકોએ ધીમી ગતિએ કામ ચાલી રહ્યું હોવાના આક્ષેપ સાથે ખાડા ફરતે બેરીકેટ લગાવવાની માંગ કરી તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે રોષ ઠાલવ્યો હતો.
કમોસમી વરસાદ સાથે ચોમાસાની ઋતુના આગમનના એંધાણ શરૂ થઇ ગયા છે. વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરમાં વરસાદી કાંસ, ડ્રેનેજ, પાણીની લાઇનો જેવી વિવિધ કામગીરી માટે કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યા છે. પરંતુ, કોન્ટ્રાક્ટરો દ્વારા ધીમી ગતિએ કરવામાં આવી રહેલા કામના કારણે માર્ગો ઉપર ખોદેલા ખાડા દુર્ઘટનાઓને આમંત્રણ આપી રહ્યા છે.
શહેરના આજવા રોડ એકતા નગરમા પાણીની લાઇન નાખવા માટે ખોદેલા અંદાજે 20 ફૂટ ઉંડા ખાડામાં મોડી રાત્રે રમતા-રમતા અરમાન નામનું બાળક પડી ગયું હતું. આ બાળક ખાડામાં પડતા તેની સાથે રમી રહેલા ચાર-પાંચ બાળકોએ બુમરાણ મચાવતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. જે પૈકી સ્થાનિક એક યુવાન ખાડામાં ઉતરીને અરમાનને સહીસલામત બહાર કાઢી લીધો હતો અને તેમના પરિવારને સોંપતા પરિવારજનોએ રાહત અનુભવી હતી.
ખાડામાં પડી ગયેલા અરમાનની માસી સનમે જણાવ્યુ હતુ કે, એકતા નગરમા કબ્રસ્તાન પાસે પાણીની લાઇન નાંખવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી માટે ખાડો ખોદવામાં આવેલો છે. બે દિવસ પહેલા વરસાદ પડતાં હાલ કામગીરી બંધ છે. મોડી રાત્રે બાળકો રમી રહ્યા હતા. જેમાં બાળક પાણીમાં પડતા મોટો અવાજ આવ્યો હતો જેથી અમે સ્થળ ઉપર પહોંચ્યા હતા. સ્થળ ઉપર તપાસ કરતા બહેનનો પુત્ર અરમાન હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, સ્થાનિક યુવાને ખાડામાં ઉતરીને બચાવી લીધો હતો.
અન્ય મહિલાએ મીડિયાને જણાવ્યું કે, અહિંયા ઘણા છોકરાઓ રમી રહ્યા હતા. રમતાં-રમતા અરમાન પતરાની પાછળ સંતાયો હતો. તેનો પગ લપસતા તે સીધો પાણી ભરેલા ખાડામાં પડી ગયો હતો. અંદાજીત 20 ફૂટ જેટલો ઊંડો ખાડો છે. અમે પાલિકાને રજૂઆત કરીએ છીએ કે, આ ઘટનાનું પુનરાવર્તન ના થાય તે માટે બાઉન્ડ્રી બનાવો.
આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ પહોંચી ગઇ હતી. આ બનાવને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. લોકોએ પાલિકા અને આ કામગીરી કરી રહેલા કોન્ટ્રાક્ટર સામે રોષ ઠાલવ્યો હતો. સાથે આ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા માંગ કરી હતી.