પોલેન્ડના વર્ક પરમીટ વિઝા અપાવવાના બહાને મહિલા સાથે 2.52 લાખની ઠગાઇ કરતા ફરિયાદ

છાણીમાં રહેતી મહિલાની ગોરવાની યુરોકન ઇન્ટરનેશનલ કન્સલટન્સીના સંચાલક સામે ફરિયાદ

MailVadodara.com - Complaint-filed-against-woman-for-cheating-her-of-Rs-2-52-lakh-on-the-pretext-of-getting-a-work-permit-visa-for-Poland

- 6 મહિનામાં કામ પૂરું કરવાનું નોટરી કરાર સાથે વચન આપ્યું હતું, વર્ક પરમીટ લેટર પણ નકલી આપ્યો

વડોદરા શહેરના છાણી વિસ્તારમાં રહેતા મહિલાને વર્ક પરમિટ પર પોલેન્ડ મોકલવાના બહાને ગોરવાની યુરોકન ઇન્ટરનેશનલ કન્સલટન્સીના સંચાલકે 2.52 લાખની છેતરપિંડી કરતાં ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ગોરવા પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.

વડોદરાના છાણી વિસ્તારમાં આવેલા ઓમકારા રેસીડેન્સીમાં રહેતા સોનલબેન રાહુલભાઈ પરમાર (ઉ.વ. 28) સાથે પોલેન્ડ વર્ક પરમીટના નામે રૂ. 2,52,000ની છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સોનલબેન અલકાપુરીની ખાનગી હોટલમાં નોકરી કરે છે અને તેમની 6 વર્ષની દીકરી અને માતા સાથે રહે છે. તેઓએ ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણદ સોનલબેને માર્ચ-2024માં તેમના ભાણીયા અર્પિત મારફતે વિદ્યાનગર, આણંદ ખાતેની યુરોકન ઈન્ટરનેશનલ કન્સલ્ટન્સીમાં પોલેન્ડ વર્ક પરમીટ અંગે પૂછપરછ કરી હતી. જોકે ત્યાંથી તેમને વડોદરા સ્થિત ગોરવાની એટલાન્ટિસ-10માં આવેલી તેમની અન્ય યુરોકન ઇન્ટરનેશનલ કન્સલટન્સીનું સરનામું આપતા અમે ત્યાં ગયા હતા. જ્યાં કન્સલ્ટન્સીના માલિક ગૌરાંગ દિનેશભાઈ પટેલ (રહે. અનિલપાર્ક, કારેલીબાગ) તેમને 3 વર્ષનું વર્ક પરમીટ આપવાનું વચન આપીને રૂ. 5 લાખ રૂપિયાનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. સોનલબેને વિશ્વાસમાં આવી જરૂરી ડોક્યુમેન્ટ્સ આપ્યા અને માર્ચથી જૂન-2024 દરમિયાન ગૂગલ પે દ્વારા રૂ. 2,52,000 ચૂકવ્યા હતા.

ગૌરાંગે 20 માર્ચ, 2024ના રોજ 6 મહિનામાં કામ પૂરું કરવાનું નોટરી કરાર સાથે વચન આપ્યું હતું. જોકે, તેમણે આપેલો વર્ક પરમીટ લેટર નકલી હોવાનું ચકાસણીમાં જણાઈ આવ્યું હતું. સોનલબેને પૈસા પરત માગતાં ગૌરાંગ ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો અને 30 ઓગસ્ટ, 2024ના રોજ રૂ. 1,50,000નો ચેક આપ્યો હતો જે ચેક બાઉન્સ થયો હતો.

ત્યારબાદ સોનલબેન એ ગૌરાંગને ફોન કર્યો હતો, પરંતુ, ગૌરાંગનો ફોન બંધ આવે છે અને તેની ઓફિસ (એસ.એફ/240, એટલાન્ટિસ-10, સારાભાઈ કેમ્પસ રોડ, ગોરવા, વડોદરા) પણ બંધ છે. જેથી સોનલબેને આ બાબતે ગૌરાંગ પટેલ સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Share :

Leave a Comments