- કિશોરીને ફ્રેન્ડના ભાઈના બર્થડેમાં બોલાવાઈ હતી, માતા-પિતા એ ફ્રેન્ડને ઓળખતા ન હોવાથી જવાની ના પાડી હતી
- 4 કલાક સુધી પરત ન ફરતાં પરિવાર ચિંતામાં મુકાયો હતો, અભયમે મિલન કરાવ્યું
વડોદરાના અકોટા વિસ્તારમાં માતા-પિતાએ ફ્રેન્ડના ઘરે બર્થડે પાર્ટીમાં જવાની ના પાડતાં 16 વર્ષની કિશોરી રિસાઈને ઘરેથી નીકળી ગઈ હોવાની ઘટના સામે આવી છે. કિશોરી ચાર કલાક સુધી ઘરે પરત નહીં ફરતાં પરિવાર ચિંતામાં મુકાયો હતો. દરમિયાન રાત્રિના સમયે એક જાગૃત નાગરિકની નજર કિશોરી પર પડતાં તેમણે 181 અભયમની મદદ માગી હતી. અભયમની ટીમે સ્થળ પર પહોંચી કિશોરીનું કાઉન્સેલિંગ કરી તેને સમજાવી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
અકોટા વિસ્તારમાં રહેતી 16 વર્ષની કિશોરીને તેના ફ્રેન્ડના ભાઈના બર્થડે પ્રસંગે રાત્રે 8 વાગ્યે ઘરે બોલાવવામાં આવી હતી. જોકે, કિશોરીના માતા-પિતાએ ફ્રેન્ડને તેઓ ઓળખતા ન હોવાનું જણાવી તેને ત્યાં જવાની ના પાડી હતી. દીકરીએ પાર્ટીમાં જવા માટે જીદ કરતાં માતા-પિતાએ આ રીતે બહાર જવા માટે જીદ કરશે તો ભણવાનું છોડાવી દેવાની વાત કરી હતી. આ વાતનું માઠું લાગી આવતાં કિશોરી માતા-પિતાને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી.
કિશોરી ક્યાં ગઈ તેની કોઈ જાણ ન થતાં પરિવાર દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ચાર કલાક સુધી કિશોરી ઘરે પરત નહીં ફરતાં પરિવારની ચિંતા વધી હતી. દરમિયાન રાત્રે આશરે 12 વાગ્યાના સમયે એક જાગૃત નાગરિકની નજર કિશોરી પર પડી હતી. તેમણે તાત્કાલિક 181 અભયમ હેલ્પલાઇનનો સંપર્ક કરતાં ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અભયમની ટીમે કિશોરી સાથે વાતચીત કરી તેનું કાઉન્સેલિંગ કર્યું હતું અને તેને સમજાવી ઘરે પરત જવા માટે તૈયાર કરી હતી.
ત્યારબાદ કિશોરીના માતા-પિતાને પણ સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. માતા-પિતાએ જણાવ્યું હતું કે, કિશોરી તેમની એકની એક સંતાન છે. માતા ઘરકામ કરે છે, જ્યારે પિતા છૂટક મજૂરી કરે છે. કિશોરી જે ફ્રેન્ડના ઘરે જવા માંગતી હતી તેને માતા-પિતા ઓળખતા ન હોવાથી અને ફ્રેન્ડનો સંપર્ક નંબર પણ કિશોરીએ આપ્યો ન હોવાથી તેમણે તેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ત્યાં જવાની ના પાડી હતી.
અભયમની ટીમે કિશોરીને સમજાવ્યું હતું કે, માતા-પિતા તેની સુરક્ષા અને ભવિષ્યની ચિંતા હોવાથી તેને કેટલીક બાબતો અંગે રોકટોક કરે છે. કિશોરી ભણવામાં હોશિયાર હોવાનું અને આગળ અભ્યાસ કરવાની ઇચ્છા ધરાવતી હોવાનું જણાતાં ટીમે માતા-પિતાને પણ દીકરીનો અભ્યાસ ચાલુ રાખવા સલાહ આપી હતી. અંતે કિશોરીએ માતા-પિતાની માફી માંગી હતી અને હવે પછી તેમની જાણ બહાર ઘરેથી ક્યાંય નહીં જવાની ખાતરી આપી હતી. અભયમની ટીમે કાઉન્સેલિંગ બાદ પરિવાર વચ્ચે સમાધાન કરાવી કિશોરીને માતા-પિતા સાથે મિલન કરાવ્યું હતું.


