- હવાલાના નાણાં લેવા ચાંદની ચોક પહોંચ્યો ત્યારે ટ્રેપમાં ઝડપાયો
- આરોપી પાસેથી મળેલી કારની ચાવી આધારે નજફગઢ ખાતે પાર્ક કરેલી સ્વિફ્ટ કારમાંથી 4 કરોડની કિંમતનું 2.075 કિલો હેરોઇન જપ્ત કરાયું
વડોદરાના જાણીતા વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી 10 કરોડની તોતિંગ ખંડણી માંગવાના સનસનાટીભર્યા કેસમાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચ અને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને આંતરરાજ્ય સંયુક્ત ઓપરેશનમાં મોટી સફળતા સાંપડી છે. કુખ્યાત ગેંગસ્ટર રોહિત ગોદારા ગેંગ સાથે સંકળાયેલા રાજસ્થાનના સાગરીત કુલદીપ ગણેશદાસ સ્વામીને દિલ્હીના ચાંદની ચોક વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. તેની પૂછપરછના આધારે પાર્ક કરેલી સ્વિફ્ટ કારમાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં 4 કરોડની કિંમત ધરાવતો 2.075 કિલોગ્રામ હેરોઇનનો મોટો જથ્થો જપ્ત કરી પોલીસે સપાટો બોલાવ્યો છે.
![]()
વેપારીને સતત ધમકીઓ આપી દબાણ ઊભું કર્યા બાદ આખરે ખંડણીની રકમ હવાલા મારફતે દિલ્હીમાં સ્વીકારવાનું નક્કી કરવામાં આવ્યું હતું. વડોદરા ક્રાઈમ બ્રાન્ચ અને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને મળેલી સચોટ બાતમીના આધારે 12 સપ્ટેમ્બર 2026ના રોજ ચાંદની ચોક ખાતે વ્યુહાત્મક વોચ ગોઠવવામાં આવી હતી. હવાલાના નાણાં મેળવવા માટે સ્થળ પર પહોંચેલા આરોપી કુલદીપ સ્વામીને બંને પોલીસ ટીમોએ ઘેરાબંધી કરીને રંગેહાથ દબોચી લીધો હતો.
ઝડપાયેલા આરોપીની અંગઝડતી દરમિયાન તેની પાસેથી એક મારુતિ સ્વિફ્ટ કારની ચાવી મળી આવી હતી. પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવતાં તેણે કબૂલાત કરી હતી કે તેની કાર દિલ્હીના જય વિહાર, નજફગઢ ખાતે પાર્ક કરવામાં આવી છે. પોલીસ કાફલો તેને લઈને સ્થળ પર પહોંચ્યો હતો અને કારની ડેકીની તપાસ કરતાં ચાર પેકેટોમાં છુપાવીને રાખેલો 2.075 કિલોગ્રામ માદક પદાર્થ હેરોઇન મળી આવ્યો હતો. આ ડ્રગ્સ ક્યાંથી લવાયું હતું અને કોને સપ્લાય કરવાનું હતું તે અંગે નાર્કોટિક્સ એંગલથી પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસ રેકોર્ડ મુજબ પકડાયેલો આરોપી કુલદીપ ગણેશદાસ સ્વામી મૂળ રાજસ્થાનના ચુરુ જિલ્લાના કલ્યાણપુરા ગામનો વતની છે અને તે ગેંગસ્ટર રોહિત ગોદારાના સીધા સંપર્કમાં રહીને ખંડણી અને ડ્રગ્સની હેરાફેરીના નેટવર્કનું સંચાલન કરતો હતો. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આ મામલે ગુનો દાખલ કરી આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે, જેથી આ ખંડણી રેકેટમાં સંડોવાયેલા અન્ય સ્થાનિક કે આંતરરાજ્ય સાગરીતોના નામ પણ બહાર આવી શકે.


