વડોદરા નજીક આવેલા ખટંબા ગામ પાસે આવેલી અનંતા શુભ આરંભ સોસાયટીમાં વતનમાં ગયેલા પરિવારના ઘરને નિશાન બનાવી રૃા.૩.૩૦ લાખની મત્તાની ચોરી થઇ છે.
પ્રાપ્ત માહિતી મુજબ સોસાયટીમાં રહેતા ઉત્કર્ષ જલારામભાઈ પટેલ તા.૩૦ જુલાઈના રોજ સામાજિક પ્રસંગ તેમજ કામ અર્થે પરિવાર સાથે પોતાના વતન છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ગયા હતા. આ દરમિયાન તા.૩૦ જુલાઈથી તા. ૪ ઓગસ્ટ વચ્ચેના સમયગાળામાં અજાણ્યા ચોરોએ તેમના બંધ મકાનની રેકી કરી મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં મૂકેલા સોના-ચાંદીના કિંમતી ઘરેણાં તથા રોકડ રકમ મળીને કુલ રૃા.૩.૩૦ લાખની ચોરી કરી નાસી છૂટયા હતા.
જ્યારે ઉત્કર્ષભાઈ વતનથી પરત ફર્યા ત્યારે ઘરના તાળાં તૂટેલા અને સામાન વેરવિખેર હાલતમાં જોયો હતો. આ અંગે તેમણે વરણામા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસીને અજાણ્યા ચોરોને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.


