હરણીના આર્મી સુબેદારને ખોટા ઈ-ચલણના નામે લિંક મોકલી, લીંક ખોલતા ક્રેડિટ કાર્ડમાંથી 71,000 કપાઇ ગયા

ખોટા ઈ-ચલણના મેસેજથી આર્મી સુબેદાર સાયબર ઠગાઈનો ભોગ બન્યા

MailVadodara.com - An-Army-Subedar-from-Harani-was-sent-a-link-regarding-a-fake-e-challan-upon-opening-the-link-71000-was-deducted-from-his-credit-card

- ટ્રાફિક સિગ્નલ તોડવા બદલ 1,000નો દંડ થયો હોવાનું બતાવી લિંક મોકલી

- Nextgen mParivahan.apk બેકગ્રાઉન્ડમાં ઇન્સ્ટોલ થઈ, અજાણ્યા શખ્સોએ BGMI ગેમિંગ વાઉચરની ખરીદી કરી

વડોદરા શહેરના હરણી વિસ્તારમાં રહેતા અને EME આર્મી કેમ્પમાં ફરજ બજાવતા 47 વર્ષીય સુબેદાર સાયબર ગઠિયાઓની નવી મોડસ ઓપરેન્ડીનો ભોગ બન્યા છે. વાહનના ખોટા ઈ-ચલણના નામે આવેલા મેસેજમાં આપેલી શંકાસ્પદ લિંક પર ક્લિક કરતાં જ અજાણ્યા ઠગોએ સુબેદારના SBI ક્રેડિટ કાર્ડમાંથી 71,000નું ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરી લીધું હતું. આ મામલે આર્મી જવાને હરણી પોલીસ સ્ટેશન તેમજ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

હરણી વિસ્તારમાં રહેતા સુબેદાર ભાસ્કરણ ઉદયારને ગત 7 સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી ટેક્સ્ટ મેસેજ આવ્યો હતો. જેમાં ગાડી નંબરનો ઉલ્લેખ કરી ટ્રાફિક સિગ્નલ જમ્પ કરવા બદલ 1,000નો દંડ થયો હોવાનું જણાવાયું હતું અને ચલણની વિગતો જોવા તેમજ પેમેન્ટ કરવા માટે એક લિંક આપવામાં આવી હતી. સુબેદારની દીકરી વતનમાં ટુ-વ્હીલર ચલાવતી હોવાથી તેણે નિયમભંગ કર્યો હોવાનું માની સુબેદારે મેસેજને સાચો ગણી લિંક ઓપન કરી હતી.

લિંક ઓપન કર્યાના બીજા દિવસે એટલે કે 8 સપ્ટેમ્બરે બપોરે સુબેદારના ફોન પર એસબીઆઈ ક્રેડિટ કાર્ડમાંથી અચાનક 71,000નું ઓનલાઇન ટ્રાન્ઝેક્શન થઈ ગયાનો મેસેજ આવ્યો હતો. અનધિકૃત ટ્રાન્ઝેક્શન જોઈ ચોંકી ઉઠેલા સુબેદારે તરત જ પોતાનું એમેઝોન એકાઉન્ટ તપાસતાં માલૂમ પડ્યું હતું કે અજાણ્યા ગઠિયાઓએ આ રકમમાંથી 'BGMI UC Official Voucher' ની મોટી ખરીદી કરી લીધી હતી.

પૈસા કપાઈ જતાં જ આર્મી જવાને તાત્કાલિક એમેઝોન કસ્ટમર કેરનો સંપર્ક કરી ટ્રાન્ઝેક્શન અટકાવવા જણાવ્યું હતું અને નેશનલ સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે મેસેજની લિંક ખોલતાં જ મોબાઈલમાં 'Nextgen mParivahan.apk' નામની ખતરનાક ફાઈલ બેકગ્રાઉન્ડમાં ઇન્સ્ટોલ થઈ ગઈ હતી, જેના થકી હેકર્સે ફોન અને ઓટીપીનો કંટ્રોલ મેળવી લીધો હતો. આ અંગે હરણી પોલીસે બનાવટી એપીકે ફાઈલ મોકલનાર અને ઓનલાઈન ફ્રોડ આચરનારા અજાણ્યા સાયબર ઠગો સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments