- લાંબા વિરામ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, ભક્તો છત્રી-રેઇનકોટ સાથે રસ્તા પર નીકળ્યા
- શું વરસાદે તંત્રની ફરીથી પરીક્ષા લીધી, તંત્ર ફરી ઊંઘતું ઝડપાયું...?
- પાણીગેટ અને રાવપુરા મચ્છીપીઠમાં રોડ પર પાણી ફરી વળ્યાં, વાહન ચાલકોને હાલાકી
આજે (14 સપ્ટેમ્બર) ગણેશ ચતુર્થી પર્વ શરૂ થઈ રહ્યો છે, બીજી તરફ વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો વચ્ચે શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારે ધોધમાર બાદ વરસાદ હળવો થયો છે. વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે બાપ્પાના આગમનની તૈયારીઓ વચ્ચે વરસાદ ખલેલ પહોચાડી રહ્યો છે, છતાં ભક્તિમાં ઉત્સાહ અનેરો છે. વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો અને રાહદારીઓને છત્રી અને રેઇન કોટ પહેરવાની ફરજ પડી હતી. શહેરના પાણીગેટ અને રાવપુરા મચ્છીપીઠ વિસ્તારમાં રોડ સ્વિમિંગપુલ બન્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
અસહ્ય ગરમી અને બફારાથી ત્રસ્ત વડોદરાવાસીઓને અંતે રાહત મળી છે. લાંબા વિરામ બાદ શહેરમાં ગત l સાંજ અને આજે વહેલી સવારે વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળતા શહેરમાં કેટલાક વિસ્તારોમાં પાણી પાણીના દ્રશ્યો સામે આવ્યા છે. શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે વાદળ છાયા વાતાવરણ વચ્ચે બફારો વધ્યો હતો. જો કે વરસાદની શરૂઆત થઈ અને સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારે પડેલા વરસાદે ઘણા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા.
ગણેશ ચતુર્થીના દિવસે શહેરમાં વરસાદ આવતા ગણેશ ભક્તોમાં વરસાદ વચ્ચે પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. શહેરના રાવપુરા મચ્છીપીઠ અને પાણીગેટ વિસ્તારમાં પાણી ભરાતા રોડ સ્વિમિંગપુલ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. સાથે શહેરના ફતેગંજ, આજવા રોડ, વાઘોડિયા રોડ, કારેલીબાગ, સુભાનપુરા, સયાજીગંજ, પાણીગેટ, માંડવી, હરણી જેવા મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વર્ષો હતો.


