વડોદરા SOGએ સુરતથી નકલી નોટોના મુખ્ય સપ્લાયર મનિષ પાનસુરીયાને ઝડપી પાડ્યો

વડોદરામાં નકલી નોટો ઘુસાડવાના રેકેટનો વડોદરા SOG પોલીસે પર્દાફાશ કર્યો

MailVadodara.com - Vadodara-SOG-apprehended-Manish-Pansuriya-the-main-supplier-of-counterfeit-notes-from-Surat

- રૂ.200ની 67 નકલી નોટોના કેસમાં કાર્યવાહી, નીરવ મહેતાની પૂછપરછ બાદ મનિષ પાનસુરીયા ઝડપાયો

- અસલી નોટોના બદલામાં ડબલ નકલી નોટો મેળવ્યાનો ખુલાસો

દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડવા અને જનતાને છેતરવાના ઈરાદે વડોદરામાં નકલી નોટો ઘુસાડવાના રેકેટનો વડોદરા SOGએ પર્દાફાશ કર્યો છે. અગાઉ પકડાયેલા આરોપી નીરવ મહેતાની પૂછપરછના આધારે, એસ.ઓ.જી. પોલીસે પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી સુરતના વેલેન્જા ખાતેથી મુખ્ય સપ્લાયર આરોપી મનિષ ખીમજીભાઈ પાનસુરીયાને ઝડપી પાડ્યો છે.


ગત તા.14 ફેબ્રુઆરીના રોજ ICICI બેંકની વાઘોડિયા રોડ શાખાના સી.ડી.એમ. મશીનમાં 1700 રૂપિયા કેશ ડિપોઝિટ કરવામાં આવ્યા હતા. આ પૈકી 200 રૂપિયાના દરની 7 નોટ મશીનના રિજેક્શન ટ્રે બોક્સમાં જમા થઈ હતી, જે તપાસમાં નકલી માલૂમ પડી હતી. બ્રાન્ચ મેનેજરની ફરિયાદના આધારે તા. 2 માર્ચના રોજ વડોદરા શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન નેશનલ હાઈવે નં.-48, એલ એન્ડ ટી નોલેજ સિટી સામે આવેલા સાહિત્ય ગ્રીન ફ્લેટ ખાતેથી ફૂડ ડિલિવરીના રાઇડર આરોપી નીરવ પ્રભુલાલ મહેતાને શોધી કાઢવામાં આવ્યો હતો. તેની અંગઝડતી અને ઘરમાંથી 200 રૂપિયાના દરની વધુ 60 નકલી નોટો મળી આવી હતી.

પોલીસ કસ્ટડી રિમાન્ડ દરમિયાન નીરવ મહેતાની કડક પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, આ નકલી નોટો તે સુરતના મનિષ પાનસુરીયા (હાલનું સરનામું શુભશાંતિ રેસિડેન્સી, અનિલભાઈ બાવાજીના મકાનમાં ભાડેથી, મધુવન સ્કૂલની બાજુમાં, વેલેન્જા ગામ, સુરત શહેર, મૂળ વતન ઉજડા ગામ, નવા ફળિયું, તા. જામકંડોરણા, જી. રાજકોટ) પાસેથી લાવ્યો હતો. જેથી એસ.ઓ.જી.ની ટીમે સુરતમાં વોચ ગોઠવીને સહ-આરોપી મનિષ પાનસુરીયાને તેના રહેણાંક સરનામેથી રાત્રિના સમયે દબોચી લીધો હતો.

પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે, મનિષ પાનસુરીયા અને નીરવ મહેતા અગાઉ સુરતમાં ઓફિસ ખોલીને ભાગીદારીમાં શેરબજારનું કામ કરતા હતા. શેરબજારના ધંધામાં મોટી ખોટ આવતા આર્થિક તંગી નિવારવા માટે મનિષ પાનસુરીયાએ બારડોલી પાસેના એક ગામમાંથી અસલ નોટોના બદલામાં ડબલ ડુપ્લિકેટ નોટોનો જથ્થો મેળવ્યો હતો. નોટો નકલી હોવાની જાણ હોવા છતાં, પોતાના આર્થિક ફાયદા માટે તેણે આ નોટો નીરવની મદદથી બજારમાં ફરતી કરી હતી. આ કૌભાંડના મૂળ સુધી તપાસ કરવા અને નકલી નોટો ક્યાં છપાતી હતી તેની કડીઓ મેળવવા માટે પોલીસ દ્વારા આરોપી મનિષ પાનસુરીયાના કોર્ટમાંથી પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Share :

Leave a Comments