- નેપાળથી ખાસ મંગાવાયેલા રુદ્રાક્ષથી કેદારનાથ ધામ શણગારશે, પિતાનો અધૂરો સંકલ્પ પુત્ર અને શિવભક્તો પૂરો કરશે, બાઇકર્સ ગ્રુપ પવિત્ર રુદ્રાક્ષ લઈને બાઇક દ્વારા કેદારનાથ પહોંચશે
વડોદરાના માંજલપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને પરમ શિવભક્ત તરીકે જાણીતા સ્વ. યોગેશ પટેલ (યોગેશ કાકા)ના નિધનને એક મહિના ઉપરાંતનો સમય વીતી ચૂક્યો છે. પરંતુ, ભગવાન શિવ પ્રત્યેની તેમની અતૂટ આસ્થા અને અધૂરા રહેલા સંકલ્પને પૂર્ણ કરવા માટે હવે વડોદરાના શિવભક્તો અને યુવાનોએ કટિબદ્ધતા વ્યક્ત કરી છે. યોગેશ કાકાએ ઉત્તરાખંડના પવિત્ર ધામ કેદારનાથ ખાતે 11 લાખ ઓરિજિનલ રુદ્રાક્ષ ચઢાવવાનો એક મહાસંકલ્પ કર્યો હતો, જે હવે સાકાર થવા જઈ રહ્યો છે.
પોતાના જીવનકાળ દરમિયાન યોગેશ પટેલે ભગવાન શિવ પ્રત્યેની ભક્તિના ભાગરૂપે બે વિશેષ ઈચ્છાઓ વ્યક્ત કરી હતી. વડોદરાના સુરસાગર તળાવમાં સર્વેશ્વર મહાદેવની ભવ્ય સુવર્ણજડિત પ્રતિમાનું નિર્માણ કરાવ્યા બાદ, તેમનો બીજો મોટો સંકલ્પ કેદારનાથ ધામમાં 11 લાખ રુદ્રાક્ષ અર્પણ કરવાનો હતો. આ સંકલ્પને પૂર્ણ કરવા માટે હાલ વડોદરાના જાગેશ્વર મહાદેવ મંદિર ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. `ડમરુવાલા ફાઉન્ડેશન'ના યુવાનો આ સેવાકાર્યમાં રાત-દિવસ જોડાઈને કેદારનાથ મંદિરને રુદ્રાક્ષથી શણગારવા માટે તત્પર બન્યા છે.
યોગેશ કાકાનો આગ્રહ હતો કે, શિવજીને માત્ર ઓરિજિનલ રુદ્રાક્ષ જ અર્પણ કરવા. ભારતમાં આટલી મોટી સંખ્યામાં અસલી રુદ્રાક્ષ મળવા મુશ્કેલ હોવાથી, 'સત્યમ શિવમ સુન્દરમ્' સમિતિના સભ્ય હિમાંશુ પટેલે નેપાળ ખાતે પોતાના એક મિત્રનો સંપર્ક કર્યો હતો અને ત્યાંથી ખાસ આ રુદ્રાક્ષ મંગાવવામાં આવ્યા હતા. જોકે, જ્યારે આ રુદ્રાક્ષ બનીને તૈયાર થયા, તેના થોડા જ સમયમાં યોગેશ કાકાનું નિધન થઈ ગયું, જેના કારણે તેઓ પોતે આ રુદ્રાક્ષ ચઢાવી શક્યા નહોતા. આ વાતનો વસવસો તેમના સમગ્ર શિવભક્ત ગ્રુપને હતો.
સ્વ. યોગેશ પટેલના પુત્ર રાકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, મારા પિતાએ જે સંકલ્પ કર્યો હતો, તેને અમે હવે ધીરે-ધીરે પૂર્ણ કરી રહ્યા છીએ. પ્રથમ ફેઝમાં શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે કેદારનાથ મંદિર ખાતે 11 લાખ રુદ્રાક્ષ ચઢાવવામાં આવશે. ત્યારબાદ, તેમનો બીજો સંકલ્પ સોમનાથ મહાદેવ ખાતે રુદ્રાક્ષ ચઢાવવાનો છે, જેને પણ અમે આગામી દિવાળી સુધીમાં પૂર્ણ કરીશું.
ડમરુવાલા ફાઉન્ડેશનના મેહુલ પટેલે જણાવ્યું કે, આગામી 17 ઓગસ્ટના રોજ વડોદરાના સર્વેશ્વર મહાદેવ મંદિર ખાતેથી આ ભવ્ય યાત્રા પ્રસ્થાન કરશે. બાઇકર્સ ગ્રુપ આ પવિત્ર રુદ્રાક્ષ લઈને બાઇક દ્વારા કેદારનાથ સુધી પહોંચશે. યોગેશ કાકાના આ ભગીરથ કાર્ય અને સંકલ્પને પૂર્ણ કરવા માટે વડોદરાના શિવભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


