શહેરમાં 3 સ્થળોએ ચાલતી કામગીરી અઠવાડિયામાં કામ પૂરું કરવા મ્યુનિસિપલ કમિશનરની સૂચના

આજરોજ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા ડ્રેનેજના મોટા કામોની સમીક્ષા કરી

MailVadodara.com - Municipal-Commissioner-instructs-to-complete-ongoing-work-at-three-locations-in-the-city-within-a-week

- શહેરમાં પૂર બાદ મોટા પાયે 71 જેટલાં કામો શરૂ કરાયા હતા, તે પૈકી 49 કામો બાકી છે

વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે. હાલમાં ચોમાસું શરૂ થઈ ગયું છે પરંતુ આ કામગીરી પૂરી થઈ નથી. ત્યારે ચોમાસામાં આ કામગીરીના કારણે શહેરીજનોને પરેશાની થઈ શકે છે. આજરોજ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા ડ્રેનેજના મોટા કામોની સમીક્ષા કરવામાં આવી હતી અને શહેરમાં ચાલતા કામો પૈકી મોટા ભાગના કામોને એક અઠવાડિયામાં પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી છે.

ગોત્રી, ગાંધીનગર ગૃહ અને ખોડીયાર નગર ખાતે ડ્રેનેજની કામગીરીથી લોકોને હાલાકી

વડોદરા શહેરમાં બે વર્ષ પહેલા પૂરનું પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. આ પૂરમાં મોટાપાયે ખાના ખરાબી થઈ હતી. કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું અને લોકોએ ત્રણ દિવસ સુધી પાણીમાં રહેવાની ફરજ પડી હતી. જો કે ત્યારબાદ વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાથ ધરવા ઉપરાંત શહેરમાં વિવિધ વિસ્તારમાં કેચ ધ રેઇન હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત પાણીનો ઝડપથી નિકાલ થાય તે માટે ડ્રેનેજ લાઇનની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.

મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, શહેરમાં પૂર બાદ મોટા પાયે 71 જેટલાં કામો શરૂ કરવામાં આવ્યા હતા અને તે પૈકી 49 કામો બાકી છે. જે કામો હાલ પ્રગતિ હેઠળ છે. તેઓએ જણાવ્યું હતું કે, આ પૈકી 19 કામો પૂર્ણ કરવાનું લક્ષ્યાંક હતું પરંતુ હજુ આ કામ પ્રગતિમાં છે હાલમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ચોમાસુ મોડું શરૂ થયું પરંતુ વરસાદ આવી ચૂક્યો છે ત્યારે એક અઠવાડિયામાં ત્રણ કામો પૂર્ણ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. બાકીના કામો ઓગસ્ટ મહિનામાં કરાશે.

ગોત્રી હોસ્પિટલની સામે ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી હતી જેના કારણે એક તરફનો રોડ હાલમાં બંધ કરવામાં આવ્યો છે જો કે ચોમાસામાં વાહન ચાલકોને અગવડતા પડી શકે છે જેને ધ્યાનમાં રાખીને આ કામગીરી ઝડપથી પૂર્ણ કરી આગામી એક સપ્તાહમાં આ રોડ શરૂ કરી દેવા સૂચના આપી દેવામાં આવી છે. એવો પણ ભય છે કે ચોમાસા દરમિયાન ભુવા પડી શકે છે જેના કારણે વ્યવસ્થિત રીતે પુરાણ કરી અને ત્યારબાદ જ આ રોડ ખુલ્લો મુકવા માટે સૂચના આપવામાં આવી છે.

વડોદરા શહેરમાં આ વર્ષે ઠેર-ઠેર ડ્રેનેજ લાઈન તેમજ પાણીની લાઈન માટે ખોદકામ કરવામાં આવ્યું હતું જેના કારણે આ વર્ષે ચોમાસા દરમિયાન રોડ બેસી જવા તેમજ ભુવા પડવાની ઘટનાઓમાં વધારો થઈ શકે તેવું કેટલાક લોકોનું માનવું છે કારણ કે કેટલાક સ્થળોએ કોન્ટ્રાક્ટરો દ્વારા યોગ્ય રીતે પુરાણ કરવામાં આવ્યું નથી જેથી ભુવા પડવાની શક્યતાઓ વધી જાય છે.

Share :

Leave a Comments