- પ્રથમ કોમ્પ્લેક્સ નજીક રોડ ધસી જતાં ભૂવો પડ્યો, ભૂવાને તાત્કાલિક પૂરવામાં સ્થાનિકોની માંગ
- સદનસીબે જાનહાનિ ટળી, વારંવાર પડતા ભૂવાઓથી નાગરિકોમાં ચિંતા

વડોદરા શહેરમાં માર્ગો પર ભુવાઓ પડવાની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. શહેરના હરીનગર ઇસ્કોન મંદિરથી વાસણા તરફ જતા રોડ પર પ્રથમ કોમ્પ્લેક્સ નજીક રોડ પર અચાનક ભૂવો પડતાં ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરતી કોર્પોરેશનની ગાડી ફસાઈ ગઈ હતી. ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો અને માર્ગ પર થોડા સમય માટે અવરજવરમાં પણ અસર જોવા મળી હતી.

વડોદરા શહેરમાં વારંવાર પડતા ભુવાઓને કારણે લોકોની સુરક્ષા સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. હરીનગર ઇસ્કોન મંદિરથી વાસણા તરફ જતા માર્ગ પર પ્રથમ કોમ્પ્લેક્સ નજીક રોડ ધસી જતાં ભૂવો પડ્યો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરતી કોર્પોરેશનની ગાડી ભૂવામાં ફસાઈ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ વાહન ફસાઈ જતાં સ્થાનિકો એકત્ર થઈ ગયા હતા.
સ્થાનિકોએ શહેરમાં વારંવાર સર્જાતી આવી ઘટનાઓ અંગે કોર્પોરેશનની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. સ્થાનિકોએ માંગ કરી છે કે રોડ પર પડેલા ભૂવાને તાત્કાલિક પૂરવામાં આવે તેમજ સમગ્ર માર્ગનું તકેદારીપૂર્વક નિરીક્ષણ કરીને જ્યાં જોખમ હોય ત્યાં સમયસર સમારકામ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ ગંભીર અકસ્માત સર્જાય નહીં.


