કરજણની શિક્ષિકા યુકે નોકરીની લાલચમાં ફસાઈ, ઠગોએ વિવિધ ચાર્જના નામે 12.52 લાખ પડાવ્યા

વલણ ગામની શિક્ષિકા ઇન્સ્ટાગ્રામ પર આવેલી જાહેરાતની રીલ જોઇ ઠગાઇનો ભોગ બની

MailVadodara.com - Karjan-teacher-falls-prey-to-UK-job-scam-fraudsters-swindle-12-52-lakh-under-the-guise-of-various-charges

- ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશનના નામે જાહેરાતથી સંપર્ક કરી દસ્તાવેજ અને ટ્રાન્ઝેક્શન કરાવી સાયબર ઠગોએ છેતરપિંડી કરી, નકલી ઓફર લેટર આપી સતત પૈસા વસૂલવામાં આવ્યા

યુકેમાં શિક્ષકની નોકરી મેળવવા જતા કરજણ તાલુકાના વલણ ગામની શિક્ષિકા ઓનલાઇન ભેજાબાજોનો ભોગ બની હતી. ઇન્સ્ટાગ્રામ પર આવેલી જાહેરાતની રીલ જોઇને યુકેનું સપનું સાકાર કરવા જતા શિક્ષિકાએ રૂા.૧૨.૫૨ લાખ ગુમાવ્યા છે.

કરજણ તાલુકાના વલણ ગામમાં રહેતી શિક્ષિકા નફિસાબેને પોલીસમાં ફાસ્ટટ્રેક ઇમિગ્રેશન ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના ઇરફાન મોહંમદ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું સાંસરોદની સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરું છું. તા.૧૫ જાન્યુઆરીના રોજ હું ઇન્સ્ટાગ્રામ જોતી હતી ત્યારે ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન પોસ્ટ આવી હતી જેમાં શિક્ષક સહિત વિવિધ પદો માટેની નોકરીની વિગતો હતી.

મેં આ પોસ્ટ પર ક્લિક કરી મેસેજ કરી નોકરી માટે વધુ માહિતી માગતા મને યુકેનો એક નંબર આપ્યો અને તે નંબર પર મેસેજ કરવા જણાવ્યું હતું. આ નંબર પર મેં મેસેજ કરતા એક લિંક મળી હતી જેને ઓપન કરતા વિવિધ માહિતીઓનો ઉલ્લેખ હતો. પ્રાથમિક માહિતી મેં તેમને માગ્યા મુજબ મોકલી હતી પરંતુ બાદમાં મારી પર્સનલ માહિતી માગતા મેં ના પાડી અને નામ પૂછતા મોહંમદ ઇરફાન જણાવ્યું હતું અને બાદમાં હાલમાં મારે કશું કરવું નથી તેમ કહ્યું હતું.

થોડા દિવસો બાદ યુકેમાં મારા સંબંધીઓને પૂછપરછ કરતા તેમણે ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન યુકેમાં છે તેમ કહેતા મેં મારા ડોક્યૂમેન્ટ મોહંમદ ઇરફાનને મોકલ્યા હતાં. બાદમાં અરજન્ટ પ્રોસેસ માટે ૧૦૦૦ પાઉન્ડની માગણી કરી વડોદરાના અનશ કુરેશીના બેન્ક એકાઉન્ટની વિગતો આપી હતી. આ વિગતો અંગે મેં શંકા વ્યકત કરતા તેમણે જણાવેલ કે જો તમે ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન કરશો તો ચાર્જ થશે, મારી સલાહ છે કે તમે લોકલ ટ્રાન્ઝેક્શન કરો તેની રિસિપ્ટ પણ મળી જશે.

બાદમાં મેં બેન્ક એકાઉન્ટમાં પૈસા જમા કરાવ્યા હતાં અને પછી યુકેની નોર્વિચની શાળા માટે ઇન્ટરવ્યૂ લીધા બાદ મને તેમાં શિક્ષિકા તરીકે નોકરી મળી ગઇ છે તેનો એમ્પ્લોયમેન્ટ પેમેન્ટ કોન્ટ્રાક્ટ લેટર મોકલ્યો હતો જેમાં વાર્ષિક રૂા.૫૧.૬૦ લાખ સેલરીનો ઉલ્લેખ હતો. મારી પાસે વિવિધ ચાર્જ પેટે કુલ રૂા.૧૨.૫૨ લાખ ભરાવ્યા હતાં અને પછી મેઇલ આવ્યો કે તમારે રૂા.૪ હજાર પાઉન્ડ મોહંમદ ઇરફાનને આપશો તો જ વિઝા મળશે. આ મેઇલ બાદ હવે મારે શેના રૂપિયા આપવાના તેમ પૂછ્યુ તો તમારુ બેન્ક બેલેન્સ પૂરતું નથી તેવો જવાબ મળ્યો હતો. બાદમાં મને જાણ થઇ કે મારી સાથે ઠગાઇ થઇ છે તેમ લાગતા સાયબર હેલ્પલાઇનમાં ફરિયાદ કરી હતી. ઉપરોક્ત વિગતોની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments