- અપડાઉન કરનારને વૈકલ્પિક વ્યવસ્થાનો ઉપયોગ કરવો પડશે, રથયાત્રા મહોત્સવ પૂર્ણ થયા બાદ આ ટ્રેન સેવાઓ ફરી પૂર્વવત કરી દેવામાં આવશે
- રથયાત્રા દરમિયાન મુસાફરોની ભીડને પહોંચી વળવા તથા વધારાના ટ્રાફિકને નિયંત્રિત કરવા પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન તરફથી એક મેમુ રેક મોકલવાનું આયોજન કરાયું
પૂર્વ તટીય રેલવેના પુરી ખાતે આગામી 7 જુલાઈ, 2026થી 2 ઓગસ્ટ, 2026 દરમિયાન જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ અને મુસાફરોની ભારે ભીડને પહોંચી વળવા તથા વધારાના ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન તરફથી માંગણી મુજબ એક મેમુ રેક મોકલવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના કારણે વડોદરા-દાહોદ-વડોદરા મેમુ ટ્રેનની સેવાઓ કામચલાઉ ધોરણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
વડોદરા ડિવિઝનના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેના દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, દાહોદ અને વડોદરા વચ્ચે દોડતી આ મેમુ ટ્રેનના રેકને પૂર્વ તટીય રેલવે ખાતે મોકલવામાં આવી રહ્યો છે. આ વહીવટી કારણોસર 7 જુલાઈથી આગામી 26 દિવસ સુધી આ રૂટ પરની ટ્રેન સેવાઓ સંપૂર્ણપણે સ્થગિત રહેશે. આ અસ્થાયી ફેરફાર હેઠળ ટ્રેન સંખ્યા 69233/69234 વડોદરા-દાહોદ-વડોદરા મેમુ ટ્રેન 7, જુલાઈથી 02 ઓગસ્ટ, 2026 સુધી દોડશે નહીં. આ સમયગાળા દરમિયાન વડોદરા અને દાહોદ વચ્ચે દૈનિક અપ-ડાઉન કરતા સ્થાનિક મુસાફરો, નોકરિયાતો અને વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થાનો ઉપયોગ કરવો પડશે.
રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે, તેઓ પોતાની મુસાફરીનું આયોજન આ બદલાયેલા સમયપત્રક અને ટ્રેનની સ્થિતિને ધ્યાનમાં રાખીને જ કરે, જેથી સ્ટેશને પહોંચ્યા બાદ કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે. રથયાત્રા મહોત્સવ પૂર્ણ થયા બાદ આ ટ્રેન સેવાઓ ફરી પૂર્વવત કરી દેવામાં આવશે.


