વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) વડોદરા ઝોનની ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને ગાંજાના મોટા જથ્થા સાથે મોહમ્મદફૈઝલ શેખ અને જુબેર પટેલને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓના કબજામાંથી 4.463 કિલોગ્રામ ગાંજો, મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કૂલ 2.56 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ જે.પી. રોડ પોલીસ સ્ટેશનને સોંપી છે.
\
ANTFની ટીમ તાંદલજા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, પત્રકાર કોલોનીમાં ગાંજાનું વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે ટીમે તાંદલજાની પત્રકાર કોલોનીમાં મદીના હોટલની ગલીમાં આવેલા એ/4 આમેના ડુપ્લેક્ષ ખાતે દરોડો પાડ્યો હતો.
તપાસ દરમિયાન સ્થળ પરથી અને આરોપીઓના ઘરમાંથી 2,23,000ની કિંમતનો 4.463 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આ ઉપરાંત પોલીસે 22,000ની કિંમતના 3 મોબાઈલ ફોન અને 11,000 રોકડા મળી કુલ 2,56,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ANTF દ્વારા બંને આરોપી મોહમ્મદફૈઝલ અલ્તાફહુસૈન શેખ (ઉં.વ.26, રહે. બી/60 ઝમઝમ પાર્ક, ફ્રેઝ સ્કૂલ પાસે, તાંદલજા) અને જુબેર નિઝામભાઈ પટેલ (ઉં.વ.34, રહે. એ/4 આમેના ડુપ્લેક્ષ, પત્રકાર કોલોની, તાંદલજા)ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી અર્થે આ સમગ્ર કેસની આગળની તપાસ જે.પી. રોડ પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવી છે.


