વડોદરા જિલ્લાની 10 વિધાનસભા બેઠકોની નવી મતદાર યાદી પ્રસિદ્ધ, ચૂંટણી પૂર્વે 37 હજારથી વધુ મતદારો વધ્યા

29 નવેમ્બરથી સતત ત્રણ રવિવાર મતદાર યાદી સુધારણા અભિયાન યોજાશે

MailVadodara.com - New-electoral-rolls-published-for-10-assembly-constituencies-in-Vadodara-district-over-37000-additional-voters-added-ahead-of-elections

- કુલ મતદારોનો આંકડો 22.57 લાખે પહોંચ્યો, નામ ઉમેરવા સરનામું બદલવા અને વિગતો સુધારવા મતદાન મથકો પર BLO ઉપલબ્ધ રહેશે

આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય ચૂંટણી પંચ અને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા વડોદરા શહેર અને જિલ્લાની તમામ વિધાનસભા બેઠકો માટે મતદાર યાદીની સત્તાવાર પ્રસિદ્ધ કરવામાં આવી છે. ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ (SIR ) બાદ પ્રથમ વખત આ અદ્યતન મતદાર યાદી જાહેર કરવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય એક પણ લાયક નાગરિક મતદાનના અધિકારથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવાનો છે. આ યાદીમાં 37,046 મતદારોનો ઉમેરો કરવામાં આવ્યો છે.

વડોદરા જિલ્લાની 10 વિધાનસભા બેઠકો ઉપર 17 ફેબ્રુઆરી, 2026ના રોજ જાહેર કરવામાં આવેલી યાદી મુજબ 22,20,095 મતદારો નોંધાયા હતા. જો કે બાદમાં તેમાં સુધારો વધારો કરવામાં આવ્યો હતો અને 17 નવેમ્બર, 2026ના રોજ ડ્રાફ્ટ મતદાર યાદી તૈયાર થઇ હતી, જેમાં 22,57,141 મતદારો નોંધાયા હતા. એટલે કે, 37,046 મતદારોનો ઉમેરો કરવામાં આવ્યો હતો. આ મતદાર યાદી પ્રસિદ્ધ કર્યા બાદ હજુ કોઈના નામ બાકી રહી ગયા હોય તો તેમાં સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.

વડોદરાના ચૂંટણી અધિકારી પ્રિતેશ પટેલના જણાવ્યા અનુસાર, જે નાગરિકો 18 વર્ષની વય પૂર્ણ કરી ચૂક્યા છે અથવા જેમના નામ કોઈ કારણસર મતદાર યાદીમાં સામેલ નથી, તેઓ હવે પોતાનું નામ સરળતાથી નોંધાવી શકશે. આ ઉપરાંત, મતદાર યાદીમાં રહેલી નામ, સરનામું, ઉંમર કે ફોટોગ્રાફ જેવી વિગતોમાં સુધારો કરવા, સ્થળાંતરિત થયેલા મતદારોના નામ ટ્રાન્સફર કરવા તેમજ અવસાન પામેલા મતદારોના નામ કમી કરવા માટે પણ તક પૂરી પાડવામાં આવી છે. નાગરિકોની સુવિધા માટે આગામી 29 નવેમ્બર રવિવારથી સતત ત્રણ રવિવાર સુધી વડોદરા જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારોના દરેક મતદાન મથક પર ખાસ સંક્ષિપ્ત સુધારણા અભિયાન હાથ ધરાશે.

આ ખાસ ઝુંબેશના દિવસો દરમિયાન દરેક મતદાન મથક પર બૂથ લેવલ ઓફિસર સવારથી સાંજ સુધી ઉપસ્થિત રહીને કામગીરી બજાવશે. નાગરિકો પોતાના નજીકના મતદાન મથક પર જઈને મતદાર યાદીમાં પોતાનું નામ ચકાસી શકશે અને જરૂરી ફોર્મ ભરીને સ્થળ પર જ બીએલઓને સુપરત કરી શકશે.

વહીવટી તંત્ર દ્વારા નવા યુવા મતદારો, મહિલાઓ અને દિવ્યાંગ મતદારોને આ અભિયાનનો મહત્તમ લાભ લેવા અપીલ કરવામાં આવી છે. ઓફલાઈન ઉપરાંત નાગરિકો ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટ અથવા 'વોટર હેલ્પલાઈન મોબાઈલ એપ'ના માધ્યમથી ઘરે બેઠા ઓનલાઈન પણ અરજી કરી શકે છે. લોકશાહીના આ મહાપર્વમાં દરેક નાગરિકની ભાગીદારી સુનિશ્ચિત કરવા વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

Share :

Leave a Comments