- ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની 7,560 બોટલો મળી
- માનભાઈ શિંગડ અને અશોક મકવાણા ઝડપાયા ત્રણ આરોપી વોન્ટેડ જાહેર કરાયા
વડોદરા ગ્રામ્યના કરજણ પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દારૂના ગેરકાયદે વેપાર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભરૂચ-વડોદરા નેશનલ હાઈવે-48 પર કરજણ નજીક આવેલી મહાદેવ હોટલના પાર્કિંગમાં દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની આશરે 270 પેટી, જેમાં 7,560 બોટલનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે દારૂના જથ્થા ઉપરાંત એક વાહન, બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 31.50 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કરાયા છે.
સ્ટેટ મોનિટરીંગ યુનિટના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. જાડેજાની ટીમે બાતમીના આધારે કરજણ ખાતે મહાદેવ હોટલના પાર્કિંગમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની આશરે 270 પેટી તથા 7,560 બોટલ મળી આવી હતી. જેની કિંમત રૂ. 21,30,000 આંકવામાં આવી છે. આ ઉપરાંત એક વાહન, બે મોબાઈલ ફોન અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 31,50,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
પોલીસે સ્થળ પરથી માનભાઈ હાજાભાઈ શિંગડ (રહે. રામેશ્વર ગામ, તા. ઉના, જિ. ગીર સોમનાથ) અને અશોક નનુભાઈ મકવાણા (રહે. કાંધી ગામ, તા. ગીરગઢડા, જિ. ગીર સોમનાથ)ની ધરપકડ કરી છે. જ્યારે વાપીના સચિન ગોવિંદરાવ ઠાકરે, વડોદરા ખાતે દારૂનો જથ્થો મંગાવનાર વ્યક્તિ તેમજ સચિન ઠાકરેના કહેવાથી ખાલી ટ્રક લઈ જઈ તેમાં દારૂ ભરી આપનાર વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.


