GMERS મેડિકલ કોલેજમાં રેગિંગના આક્ષેપો બાદ 5 વિદ્યાર્થીઓ છ મહિના માટે સસ્પેન્ડ કરાયા

હોસ્ટેલના તમામ વિસ્તારોમાં CCTV કેમેરા લગાવવાનો નિર્ણય લેવાયો

MailVadodara.com - 5-students-suspended-for-six-months-following-allegations-of-ragging-at-GMERS-Medical-College

- કોલેજના હોસ્ટેલ પરિસરમાં ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી-બબાલ થઈ હતી, તે દરમિયાન બીજા વર્ષના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ કરાયું હોવાના આક્ષેપો થયા

- ભોગ બનનાર ત્રણ વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થીએ માનસિક ત્રાસથી હોસ્ટેલના રૂમમાંથી કૂદવાનો પ્રયાસ કર્યો હતો, જોકે અન્ય વિદ્યાર્થીઓએ સમયસૂચકતા દાખવી બચાવી લીધો હતો

- આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જવાબદારો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી, આપઘાતનો પ્રયાસ કરનાર વિદ્યાર્થીની સારવાર અને કાઉન્સેલિંગ પર ધ્યાન કેન્દ્રિત કરાયું

વડોદરા શહેરની GMERS મેડિકલ કોલેજમાં રેગિંગનો ગંભીર મામલો સામે આવ્યો છે. બે દિવસ અગાઉ કોલેજના હોસ્ટેલ પરિસરમાં ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી અને બબાલ થઈ હતી. આ દરમિયાન બીજા વર્ષના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો થયા હતા. ભોગ બનનાર ત્રણ વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થીએ માનસિક ત્રાસથી હોસ્ટેલના રૂમમાંથી કૂદવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, અન્ય વિદ્યાર્થીઓએ સમયસૂચકતા દાખવી તેને બચાવી લીધો હતો.

આ સમગ્ર મામલે ત્રણ વિદ્યાર્થીઓએ નેશનલ મેડિકલ કમિશન (NMC)માં ફરિયાદ નોંધાવી કસૂરવારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. 27 નવેમ્બરે મેડિકલ કોલેજના ડીન દ્વારા બંને પક્ષોને સાંભળવામાં આવ્યા હતા, જ્યારે 28 નવેમ્બરે એન્ટી રેગિંગ કમિટીની બેઠક મળી હતી. પ્રાથમિક તપાસના આધારે પાંચ વિદ્યાર્થીઓને છ મહિના માટે હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત હોસ્ટેલના તમામ વિસ્તારોમાં CCTV કેમેરા લગાવવાનો પણ નિર્ણય કરાયો છે.

આપઘાતનો પ્રયાસ કરનાર વિદ્યાર્થીના જણાવ્યા અનુસાર, તેને આઠમા માળના 814 નંબરના રૂમમાં બોલાવવામાં આવ્યો હતો, જ્યાં આશરે આઠ લોકો હાજર હતા. 'યરબેક' આવ્યો હોવાથી MBBSમાં ચાર અટેમ્પ્ટ મળતા હોવાનું કહી એક અટેમ્પ્ટ પૂરો થઈ જવાની બાબતે માનસિક દબાણ ઊભું કરાયું હતું. વિદ્યાર્થીએ હેરાન કરનારા પાંચ મુખ્ય લોકો હોવાનું જણાવ્યું હતું, જેમાં એક ફાઈનલ યરનો વિદ્યાર્થી પણ સામેલ છે. તેણે દોષિતો સામે પોલીસ ફરિયાદ કરવાની અને માત્ર છ મહિના સસ્પેન્ડ કરવાને બદલે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

અન્ય વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે 25 નવેમ્બરની મોડી રાત્રે 1થી 130 વાગ્યે CR મારફતે આખી બેચને નીચે બોલાવવામાં આવી હતી. ઠંડી હોવા છતાં શોર્ટ્સમાં બહાર બોલાવી નાના રૂમમાં 8થી 10 વિદ્યાર્થીઓને ભેગા કરાયા હતા. પાંચ કલાક સુધી ઊભા રાખી અપશબ્દો, જાતિવિષયક ટિપ્પણીઓ અને MBBS કરિયર બરબાદ કરવાની ધમકીઓ આપી માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો.

તાપીમાં પ્રવાસ દરમિયાન આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, રેગિંગ કમિટીનો નિર્ણય આવશે એટલે જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહી કરાશે. અગાઉ પણ ગુજરાતમાં રેગિંગના મામલે 24 કલાકમાં કાર્યવાહી કરવામાં આવી છે. રિપોર્ટ આવ્યા બાદ આગળનાં પગલાં લેવાશે.

મેડિકલ કોલેજનાં ડીન ડો. વિશાલા પંડ્યાએ જણાવ્યું હતું કે, ત્રણ વિદ્યાર્થીઓને માનસિક રીતે સતાવવામાં આવ્યા હોવાની ફરિયાદ મળી છે. હાલ સમગ્ર ઘટનાની તપાસ સાથે માનસિક રીતે અસ્વસ્થ થયેલા વિદ્યાર્થીની કેર કરવામાં આવી રહી છે. એન્ટી રેગિંગ કમિટીના સભ્ય ડો. હિતેશ રાઠોડે જણાવ્યું હતું કે, UGCના નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને બંને પક્ષોને સાંભળવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અગાઉ પણ રેગિંગના બનાવો સામે આવ્યા છે. ચાર મહિના પહેલાં સુરતની નવી સિવિલ હોસ્પિટલની હોસ્ટેલમાં ડો. હર્ષે ચાર સિનિયરોના ત્રાસથી આપઘાત કર્યો હતો. જ્યારે પાંચ મહિના પહેલાં ભાવનગરની સરટી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં રેગિંગના મામલે છ વિદ્યાર્થીઓને છ મહિનાથી બે વર્ષ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

Share :

Leave a Comments