આલમગીર ગામ નજીક નેશનલ હાઇવે 48 પરથી 19.94 લાખના દારૂ અને બિયરના જથ્થા સાથે ચાલક ઝડપાયો

સુરતથી વડોદરા તરફ દારૂનો જથ્થો આઇસર ટેમ્પોમાં લઈ જવાતો હતો

MailVadodara.com - A-driver-was-caught-on-National-Highway-48-near-Alamgir-village-with-a-consignment-of-liquor-and-beer-worth-19-94-lakh

- વરણામા પોલીસે બાતમી આધારે આઇસરને કોર્ડન કરી બિયરની 238 પેટી અને વિદેશી દારૂની 8 પેટી મળી

- યુપીના બબલુકુમાર પ્રજાપતિની ધરપકડ કરી 24.98 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

વડોદરા જિલ્લાના વરણામા પોલીસે બાતમીના આધારે આલમગીર ગામ નજીક નેશનલ હાઇ-વે નંબર 48 પરથી સુરતથી વડોદરા તરફ જતા એક આઇસર વાહનને અટકાવી મોટી કાર્યવાહી કરી છે. આ દરોડામાં પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ-બિયરનો જથ્થો, આઇસર ટેમ્પો અને મોબાઈલ ફોન મળી કુલ 24,98,280નો મુદ્દામાલ કબજે કરી મૂળ ઉત્તરપ્રદેશના એક શખ્સની ધરપકડ કરી છે.

મળતી વિગતો અનુસાર, વરણામા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એચ. ચૌધરી અને સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, સુરતથી વડોદરા તરફ એક વાહનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને લઈ જવાઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસ ટીમે આલમગીર ગામ નજીક નેશનલ હાઇવે નં. 48 પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ આઇસર વાહન આવતા પોલીસે તેને કોર્ડન કરીને રોડની એક તરફ ઊભું રખાવ્યું હતું. વાહનની આગળ-પાછળની નંબર પ્લેટની ખાતરી કર્યા બાદ ચાલકને ઝડપી લઈ વાહનની તલાશી લેવામાં આવી હતી.

તપાસ દરમિયાન આઇસર વાહનમાંથી ભારતીય બનાવટના બિયરના ટીનની 238 પેટીઓ અને વિદેશી દારૂના ક્વોર્ટરની 8 પેટીઓ મળી કુલ 14,94,280ની કિંમતનો દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો, આઇસર વાહન અને મોબાઈલ મળી કુલ 24,98,280નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ ગુનામાં યુપીના વાહન ચાલક બબલુકુમાર લક્ષ્મીનારાયણ પ્રજાપતિની ધરપકડ કરી છે અને આ દારૂનો જથ્થો ક્યાંથી ભરવામાં આવ્યો હતો તથા કોને પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments