સયાજીગંજમાં દીકરા જેવો વિશ્વાસ કેળવી વૃદ્ધા સાથે 26 લાખની ઠગાઈ, વ્યાજની લાલચ આપી નાણાં પડાવ્યા

વૃદ્ધાના નાણાં અને દસ્તાવેજો લઈ ગયો, કોર્ટના આદેશ બાદ ભેજાબાજ સામે ગુનો નોંધાયો

MailVadodara.com - Elderly-woman-in-Sayajiganj-swindled-out-of-26-lakh-by-someone-who-gained-her-trust-like-a-son

- સમૃદ્ધ જીવન મલ્ટીસ્ટેટ સોસાયટીમાં વધુ વ્યાજની લાલચ આપી આરોપી હાર્દિક જ્ઞાનેશ્વર શાહે રોકાણ કરાવ્યું હતું

- ગોરવાના દિલીપભાઈ ગોરાએ સુરેખા જોન હિલીસ વતી ફરિયાદ નોંધાવી

વડોદરા શહેરમાં લોહીના સંબંધોને શરમાવે તેવો વિશ્વાસઘાતનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક વૃદ્ધાની એકલતા અને નબળી તબિયતનો ગેરલાભ ઉઠાવી, તેમના ઘરે પુત્ર બનીને અવરજવર કરતા એક ભેજાબાજે વધુ વ્યાજની લાલચ આપી વૃદ્ધા સાથે રૂ. 26 લાખની મસમોટી ઠગાઈ આચરી છે. આ મામલે વડોદરાની સ્પેશિયલ જીપીઆઈડી કોર્ટના આદેશ બાદ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ થક સામે નોંધાવવામાં આવી છે.

ગોરવા વિસ્તારના આદર્શ ડુપ્લેક્સમાં રહેતા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (ઉંડેરા)માંથી આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિવૃત્ત થયેલા 71 વર્ષીય દિલીપભાઈ ગોરાએ વૃદ્ધા સુરેખા જોન હિલીસ વતી સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે સુરેખાબેનની ઉંમર વધુ હોવાથી અને તબિયત નાદુરસ્ત રહેતી હોવાથી તેમણે વર્ષ 2016માં દિલીપભાઈને પાવર ઓફ એટર્ની આપ્યો હતો. આરોપી હાર્દિક જ્ઞાનેશ્વર શાહ અવારનવાર સુરેખાબેનના ઘરે આવતો હતો અને એક દીકરાની જેમ તેમની સંભાળ રાખવાનો ડોળ કરી ગાઢ વિશ્વાસ કેળવ્યો હતો. આ વિશ્વાસનો ફાયદો ઉઠાવી તેણે સમૃદ્ધ જીવન મલ્ટીસ્ટેટ મલ્ટી પર્પઝ કો-ઓપરેટિવ સોસાયટીમાં નાણાં રોકવાથી બેંક કરતાં ઘણું વધુ વ્યાજ મળશે અને તમામ નાણાંની જવાબદારી પોતાની રહેશે તેવી ખાતરી આપી હતી. દીકરા જેવા હાર્દિક પર આંધળો વિશ્વાસ મૂકી સુરેખાબેને ડિસેમ્બર 2012થી સપ્ટેમ્બર 2016 દરમિયાન કટકે-કટકે રૂ. 26 લાખનું રોકાણ કર્યું હતું.

આરોપી હાર્દિક જાતે જ ઘરે આવીને રોકાણની રકમ લઈ જતો હતો. થોડા સમય બાદ સોસાયટીની ઓફિસને તાળાં વાગી ગયા હતા. ચોંકાવનારી બાબત એ છે કે, રોકાણના અસલ સર્ટિફિકેટ અને ચેક પણ હાર્દિક પોતાની સાથે લઈ ગયો હતો અને તેની કોઈ રસીદ પણ આપી ન હતી. પાકતી મુદત પૂર્ણ થયા બાદ પણ મુદ્દલ કે વ્યાજ પરત ન મળતાં આખરે છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો. સયાજીગંજ પોલીસે ઠગ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ સમગ્ર કૌભાંડ અંગે વડોદરાના સ્પેશિયલ જજ (GPID) કોર્ટમાં ક્રિમિનલ ઇન્ક્વાયરી દાખલ કરવામાં આવી હતી. કોર્ટે ગત તા. 16 મે 2026ના રોજ આ મામલે તપાસનો હુકમ કર્યો હતો. જેના આધારે સયાજીગંજ પોલીસે દિલીપભાઈનું નિવેદન નોંધી આરોપી હાર્દિક શાહ વિરુદ્ધ રૂ. 26 લાખની છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments