- કાતરથી કાપેલા પ્લાસ્ટિકના ટુકડામાં હેરોઈનના પડીકા બનાવી વેચતો હતો
- રૂપિયા 57.45 લાખનો મુદ્દામાલ કબજે કરી જથ્થો વેચાણ આપનાર આરોપી લખનસિંહને વોન્ટેડ જાહેર
વડોદરા શહેરના છાણી જકાતનાકા નજીક આવેલા VMC ક્વાર્ટર્સમાંથી 287 ગ્રામ હેરોઈનના જથ્થા સાથે SOG પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે. SOGનો સ્ટાફ છાણી રોડ કેનાલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા, ત્યારે મળેલી બાતમીના આધારે TP-13ના VMC ક્વાર્ટર્સના બ્લોક નં. 21, રૂમ નં. 2માં રહેતા બલવિન્દરસિંહ પ્યારાસિંહ રંધાવા (જાટ)ના મકાનમાં રેડ કરવામાં આવી હતી. ફતેગંજ પોલીસ સ્ટેશન સહિતની ટીમ અને SOGના સ્ટાફે NDPS એક્ટની જોગવાઈ મુજબ કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો.
પૂછપરછમાં આરોપી બલવિન્દરસિંહે જણાવ્યું કે, તે છેલ્લા દોઢેક વર્ષથી હેરોઈન ('ચિટ્ટો') વેચવાનો ધંધો કરે છે. આશરે દસેક દિવસ પહેલાં તે પરિવાર સાથે દીકરીના લગ્ન પ્રસંગે પંજાબ ગયો હતો અને લગ્ન પૂરા કર્યા બાદ બે-ત્રણ દિવસ પહેલાં પરિવારને પરત મોકલી તે પોતે અમૃતસરમાં લખનસિંહ પાસેથી રૂ. 1,50,000માં 300 ગ્રામ હેરોઈન ખરીદીને સામાનની બેગમાં સંતાડીને વડોદરા લાવ્યો હતો. આ હેરોઈન તે ઘરે સંતાડીને કાતરથી કાપેલા પ્લાસ્ટિકના કટકામાં મૂકી, ગાંઠ મારીને રૂ. 2,000થી રૂ. 2,500માં છૂટક ગ્રાહકોને વેચતો હતો.
પોલીસે આરોપી પાસેથી 287 ગ્રામ હેરોઈન (કિંમત રૂ. 57,40,000), અંગઝડતીમાંથી મળેલા રોકડા રૂ. 500 અને 2 મોબાઈલ ફોન (કિંમત રૂ. 5,000) મળી કુલ રૂ. 57,45,750નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલ આરોપી બલવિન્દરસિંહ પ્યારાસિંહ રંધાવા (જાટ, ઉં.વ. 55) મૂળ પંજાબના અમૃતસર જિલ્લાના બાબા બકાલા તાલુકાના કમાન ગામનો રહેવાસી છે, જ્યારે હેરોઈનનો જથ્થો વેચાણ આપનાર વોન્ટેડ આરોપી લખનસિંહ પણ અમૃતસર જિલ્લાના બાબા બકાલા તાલુકાના ખીલચીયાન ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ મામલે ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


