સાવલીના ધનતેજ-સધાપુરા વચ્ચે ડાયવર્ઝન કોઝવે ધોવાતા વાહનવ્યવહાર સંપૂર્ણ ઠપ, ગ્રામજનો પરેશાન

ભારે વરસાદથી કરડ નદી પરનો કોઝવે તૂટ્યો, એક મહિનામાં બીજી વખત કોઝવે ક્ષતિગ્રસ્ત થયો

MailVadodara.com - Traffic-comes-to-a-complete-halt-after-a-diversion-causeway-between-Dhantej-and-Sadhapura-in-Savli-gets-washed-away-villagers-face-inconvenience

- કરડ નદીના જોરદાર પ્રવાહથી માર્ગ બંધ, સ્થાનિકોને 10 કિલોમીટરનો ફેરો ફરવા મજબૂર, તાજેતરમાં કરાયેલી મરામત નિષ્ફળ, અવરજવર ઠપ થતાં ગ્રામજનો પરેશાન

વડોદરાના સાવલી તાલુકામાં કરડ નદીના જોરદાર પ્રવાહ સામે ડાયવર્ઝન કોઝવે ફરી એકવાર તણાઈ ગયો છે. ધનતેજ અને સધાપુરા વચ્ચે આવેલો આ કોઝવે ધોવાઈ જતાં આ માર્ગ પરનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સાવલી વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે કરડ નદીમાં પાણીની આવક વધી હતી અને જોરદાર પ્રવાહ શરૂ થયો હતો. નદીના ધસમસતા પાણીના વેગ સામે ધનતેજસધાપુરા વચ્ચેનો ડાયવર્ઝન કોઝવે ટકી શક્યો ન હતો અને તૂટી પડ્યો હતો.


કોઝવે તૂટવાના કારણે ધનતેજ અને સધાપુરા વચ્ચેનો માર્ગ બંધ થઈ જતાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. આ માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકો અને સ્થાનિક ગ્રામજનોને હવે પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે 10 કિલોમીટરનો વધારાનો લંબાણપૂર્વકનો ફેરો ફરવાની ફરજ પડી રહી છે.

નોંધનીય છે કે, માત્ર એક મહિના પહેલા જ આ જ કોઝવે નદીના પાણીમાં ધોવાઈ ગયો હતો. તે સમયે માર્ગ અને મકાન વિભાગ તથા તંત્ર દ્વારા મોટા ભૂંગળા (હ્યુમ પાઇપ) નાખીને તાત્કાલિક ધોરણે મરામત કરી રસ્તો શરૂ કરવામાં આવ્યો હતો. જોકે, નદીમાં ફરીથી પાણીનું સ્તર અને ધસમસતો પ્રવાહ વધતાં તંત્રની કામગીરી ધોવાઈ ગઈ છે અને કોઝવે ફરી ક્ષતિગ્રસ્ત થયો છે. એક જ મહિનામાં બીજી વાર કોઝવે ધોવાઈ જતાં તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

આ અંગે સ્થાનિક મહેશભાઈ પરમારે જણાવ્યું કે, ધનતેજથી સાધાપુરા જવાનો આ રસ્તો વારંવાર તૂટી જાય છે. તંત્ર દ્વારા આ રસ્તો કઈ રીતે બનાવવામાં આવે છે તે સમજાતું નથી, જેના કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રસ્તો તૂટી જવાને લીધે શાળાએ જતા બાળકો, દૂધવાળાઓ અને અન્ય લોકોને ભણવા કે કામકાજ માટે 10 કિલોમીટર જેટલો લાંબો ફેરાવો કરીને જવું પડે છે. આ સમસ્યાના ઉકેલ માટે તેમણે તંત્ર સમક્ષ માગણી કરી છે કે વારંવાર તૂટી ન જાય તેવો એક સારો અને મજબૂત રસ્તો બનાવવામાં આવે, જેથી લોકોને રોજિંદી અવરજવરમાં રાહત મળી શકે.

Share :

Leave a Comments