- રક્ષાબંધનના 25 દિવસ પહેલા બે બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો
- અકસ્માતમાં હેમંતને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું
- 2 મિત્રોને ગંભીર ઇજા થતાં એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં
વડોદરાના મકરપુરા ડેપો પાસે ST બસની ટક્કરે ધો.10માં અભ્યાસ કરતા 15 વર્ષીય સ્ટુડન્ટનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું છે. બે બહેનો વચ્ચે એકના એક પુત્રના મોતને પગલે પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે. અકસ્માતમાં મૃતકના બે મિત્રો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે એસટી બસના ચાલક સામે ગુનો નોંધીને માંજલપુર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરાના જામ્બુવા વિસ્તારમાં રહેતા ધનશ્યામભાઈ સોમાભાઈ વસાવા (ઉં.વ.37) એ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમનો 15 વર્ષીય પુત્ર હેમંત માંડવી ગેટ ખાતે દશામાની મૂર્તિ જોવા ગયો છે. ત્યારબાદ તેઓ જમ્યા બાદ સૂઈ ગયા હતા. આ દરમિયાન તા. 03 ઓગસ્ટના રોજ રાત્રે આશરે 3 વાગ્યે એક અજાણ્યા વ્યક્તિએ તેમના ઘરે આવી જાણ કરી કે, તેમના પુત્ર હેમંત અને તેના મિત્રો એક્ટિવા પર જતા હતા, ત્યારે મકરપુરા ડેપો પાસે સરકારી એસટી બસ સાથે અકસ્માત થયો છે.

ઘટનાની જાણ થતાં તેઓ મકરપુરા ડેપો પાસે પહોંચ્યા હતા, જ્યાં તેમનો પુત્ર હેમંત રોડ પર મૃત હાલતમાં પડેલો હતો અને તેના માથાના પાછળના ભાગેથી લોહી નીકળતું હતું. સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું હતું કે, હેમંત તેના મિત્રો અનીકેત સુરેશભાઈ પરમાર અને મિલન વિજયભાઈ તડવી (બંને રહે. જાંબુવા વુડાના મકાન, જી.ઈ.બી. સ્ટેશન પાછળ, મકરપુરા) સાથે એક્ટિવા પર સુસેન સર્કલથી મકરપુરા જીજીમાતાના મંદિર તરફ જઈ રહ્યા હતા. રાત્રે આશરે 2 વાગ્યે મકરપુરા જીજીમાતાના મંદિર તરફથી મકરપુરા ડેપો તરફ આવી રહેલી સરકારી એસટી બસ નં. GJ-18-ZT-3401ના ચાલકે બસને પૂરઝડપે બેદરકારીપૂર્વક હંકારીને મકરપુરા ડેપો પાસે એકટીવાને ટક્કર મારી હતી.
અકસ્માતમાં હેમંતને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અનીકેત સુરેશભાઈ પરમારને માથા અને હોઠના ભાગે તેમજ મિલન વિજયભાઈ તડવીને બંને હાથ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. બંને ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મૃતકના પિતા ધનશ્યામભાઈ વસાવાની ફરિયાદના આધારે પોલીસે એસટી બસના ડ્રાઇવર શુકનભાઈ નટવરભાઈ દેવદા, રહે. રાજપૂર ફળિયું, મુણધા ગામ, તા.લીમડી, જી. દાહોદ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતક હેમંતના પિતા ઘનશ્યામ વસાવાએ જણાવ્યું હતું કે, કાલે રાત્રે મારો છોકરો બહાર સિટીમાં ફરવા ગયો હતો. છોકરો માતાજીના દર્શન કરવા ગયો ત્યારે તેની સાથે તેના 2 મિત્રો પણ હતા. ત્યાં માતાજીના દર્શન કરીને પાછા આવતા સમયે અકસ્માત થયો હતો. એસટી બસે એકટીવા ને ટક્કર મારતા મારો દીકરાનો મોત થયું હતું જ્યારે તેના બે મિત્રો ઇજાગ્રત થયા હતા. મારો દીકરો લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. મારા દીકરાને ન્યાય મળવો જોઈએ અને આરોપી સામે કડક કાર્યવાહી જવી જોઈએ.


