- બે મહિનામાં વિઝાનું વચન આપ્યું હતું, રૂપિયા પરત ન આપતા ફરિયાદ નોંધાઈ
વડોદરામાં કેટરિંગનો વ્યવસાય કરતા વેપારીને UKના વિઝા અપાવવાના બહાને 12.44 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. સોશિયલ મીડિયામાં જાહેરાત જોઈને વેપારીએ વિઝા પ્રક્રિયા કરી હતી. લાખ્ખો રૂપિયા ચૂકવ્યા હોવા છતાં વિઝા મળ્યા નથી અને રૂપિયા પણ પરત ન મળતા આખરે વેપારીએ વિઝા એજન્ટ અનુશ પટેલ સામે જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં રહેતા ભાવેશ રસીકભાઈ પંડ્યા (ઉ.વ. 43)એ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓએ UK જવા માટે સોશિયલ મીડિયા પર અક્ષર કન્સલ્ટન્સીની જાહેરાત જોઈ હતી, ત્યારબાદ તેઓ 10 ડિસેમ્બર, 2025ના રોજ મુજમહુડા સ્થિત અક્ષર કન્સલ્ટન્સીની ઓફિસે ગયા હતા. ત્યાં અનુશ પટેલે પોતે વર્ષોથી વિઝા એજન્ટ તરીકે કાર્યરત હોવાનું જણાવી અનેક લોકોને વિદેશ મોકલ્યાનો દાવો કર્યો હતો.
અનુશ પટેલે UKના વિઝાની સંપૂર્ણ પ્રક્રિયા માટે 14 લાખ રૂપિયા ખર્ચ થશે અને બે મહિનામાં કામ પૂર્ણ થઈ જશે એવી ખાતરી આપી હતી. ત્યારબાદ ફરિયાદીએ અનુશ પટેલના જણાવ્યા મુજબ અલગ-અલગ તારીખે RTGS અને ગૂગલ પે મારફતે તેના HDFC બેંક ખાતામાં 12.44 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. સતત પૂછપરછ છતાં અનુશ પટેલ વિઝા ટૂંક સમયમાં આવી જશે તેવી વાતો કરી સમય પસાર કરતો રહ્યો હતો. બાદમાં તેણે ફોન ઉપાડવાનું પણ ઓછું કરી દીધું અને છેલ્લે કામ થઈ શકે તેમ નથી તેમ કહી દીધું હતું.
ફરિયાદીએ પોતાની ચૂકવેલી રકમ પરત માંગતા અનુશ પટેલે થોડા દિવસમાં રૂપિયા પરત આપવાની ખાતરી આપી હતી પરંતુ, આજદિન સુધી રૂપિયા પરત આપ્યા નથી અને વિઝાની પ્રક્રિયા પણ પૂર્ણ કરી નથી. જેથી ફરિયાદીએ પોતાની સાથે 12.44 લાખ રૂપિયાની છેતરપિંડી થતા આરોપી અનુશ પટેલ સામે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેને પગલે પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.


