- રાત્રે રસ્તા વચ્ચે મગર દેખાતા મુસાફરોમાં ફફડાટ, નદીમાં પાણી વધતા મગર માનવ વસાહતો સુધી પહોંચ્યા
- રાત્રે વાહનચાલકોને જોખમ, કારની હેડલાઇટના અજવાળે મગર આગળ વધ્યો
વડોદરામાં સતત પડેલા ભારે વરસાદ અને નદીઓ તથા જળાશયોમાં પાણીની આવક વધવાને કારણે શહેર અને આસપાસના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને વિશ્વામિત્રી નદીની સપાટીમાં નોંધપાત્ર વધારો થતાં હવે માત્ર પૂરના પાણી જ નહીં, પરંતુ નદીમાં વસવાટ કરતા ભયાનક જળચર જીવો પણ માનવ વસાહતો અને મુખ્ય માર્ગો સુધી પહોંચી રહ્યા છે. વડોદરા અને તેની આસપાસના વિસ્તારોમાં મગરોના માર્ગો પર દેખાવાના બનાવોમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે.
રાત્રિના સમયે નેશનલ હાઇવેના સર્વિસ રોડ પરથી પસાર થઈ રહેલી એક કારના ચાલક સામે અચાનક જ રસ્તાની મધ્યમાં એક વિશાળકાય મગર આવી ગયો હતો. અચાનક જ સામે મગરને જોઈને કાર ચાલક હેબતાઈ ગયો હતો અને તેણે ત્વરિત બ્રેક મારીને વાહન રોકી દીધું હતું. કારની આગળ જ વિશાળકાય મગરને જોઈને ચાલક અને કારમાં બેઠેલા મુસાફરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.
કારની હેડલાઇટના અજવાળામાં રસ્તો મગર આગળ વધી રહ્યો હતો જે જોઈ કાર ચાલકે પણ પોતાની કાર થોડી પાછળ લેવી પડી હતી. અને સર્વિસ રોડ ઉપર થોડા સમય સુધી થોભી ગયા હતા. જો કે થોડા સમય બાદ મગર પોતાના રસ્તે ચાલવા માંડ્યો હતો. કાર ચાલકે આ વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં મુક્યો હતો.
વડોદરા શહેર અને તેની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મગરોનો વસવાટ છે. ચોમાસાની ઋતુમાં જ્યારે નદીના પાણીનું સ્તર ભયજનક સપાટી વટાવે છે, ત્યારે મગરો ખોરાકની શોધમાં કે પાણીના પ્રવાહ સાથે તણાઈને ડ્રેનેજ લાઈનો અને પૂરના પાણી મારફતે રસ્તાઓ પર આવી ચડતા હોય છે. નેશનલ હાઇવે જેવા વ્યસ્ત માર્ગોના સર્વિસ રોડ પર મગર આવી પહોંચવો એ વાહનચાલકો માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે, ખાસ કરીને રાત્રિના અંધકારમાં જો મગર પર ધ્યાન ન જાય તો મોટો અકસ્માત સર્જાવાની પૂરેપૂરી શક્યતા રહે છે.


