- દેવ ડેમમાંથી અચાનક પાણી છોડાતાં ડભોઇમાંથી પસાર થતી ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ
- પૂરના પાણી ખેતરોમાં લાંબો સમય ભરાઈ રહેવાના કારણે 500થી 600 વીઘા જમીન પરનો પાક ખાખ થઈ ગયો, રચી, કપાસ અને વિવિધ શાકભાજીના ઉભા પાકને સૌથી વધુ નુકસાન
ઉપરવાસમાં આવેલા દેવ ડેમમાંથી તંત્ર દ્વારા અચાનક પાણી છોડાતાં ડભોઇમાંથી પસાર થતી ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ હતી, જેના પરિણામે નદી કિનારે આવેલા આશરે 10થી વધુ ગામોના ખેતરોમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા.

પૂરના પાણી ખેતરોમાં લાંબો સમય ભરાઈ રહેવાના કારણે ખેડૂતોને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે. મરચી, કપાસ અને વિવિધ શાકભાજીના ઉભા પાકને સૌથી વધુ નુકસાન થયું છે. હાલ ખેતરોમાં પાણી ભરાઈ રહેતાં 500થી 600 વીઘા જમીન પરનો પાક ખાખ થઈ ગયો છે. તંત્રની બેજવાબદાર નીતિથી દર વર્ષે ખેડૂતોને પાયમાલ થવાનો વારો છેલ્લા ત્રણ વર્ષથી દેવ ડેમમાંથી પૂર્વ સૂચના કે યોગ્ય જાણ કર્યા વગર જ અચાનક પાણી છોડી દેવામાં આવે છે.
પૂર્વ જાણકારીના અભાવે નીચાણવાળા વિસ્તારના ખેડૂતોને પોતાના પાક કે સાધન-સામગ્રી બચાવવાનો સમય પણ મળતો નથી. તંત્રની બિનજવાબદાર નીતિના કારણે દર વર્ષે જગતના તાતને આર્થિક પાયમાલી ભોગવવાનો વારો આવે છે.


