વડોદરા જિલ્લામાં પશુધનની સુરક્ષા માટે રસીકરણ-સારવાર ઝુંબેશ શરૂ, સાવલીમાં સફાઈ અભિયાન શરૂ

સાવલી, વાઘોડિયા અને ડેસર તાલુકામાં સઘન સર્વે અને આરોગ્ય વિતરણની પ્રક્રિયા પૂર્ણ કરાઇ

MailVadodara.com - Vaccination-and-treatment-drive-for-livestock-launched-in-Vadodara-district-cleanliness-drive-initiated-in-Savli

- કૃમિનાશક દવાઓનું વિતરણ, કાદવ-કચરાનો નિકાલ કરી રોગચાળો અટકાવવાનો પ્રયાસ

- બીમાર પશુઓને સ્થળ પર સારવાર, વરસાદ બાદ જનજીવન સામાન્ય બનાવવા તંત્ર સક્રિય

વડોદરા જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ વિવિધ વિસ્તારોમાંથી પાણી ઓસરતાં જ વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુવિધા અને પશુધનની સુરક્ષા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. પશુપાલન વિભાગ દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેઠળ સમગ્ર જિલ્લામાં પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે વિવિધ તાલુકાઓમાં સર્વે, રસીકરણ, કૃમિનાશક દવાઓનું વિતરણ સહિત બીમાર પશુઓની સ્થળ પર જ તાત્કાલિક સારવાર માટેની વ્યાપક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.


તાલુકાવાર હાથ ધરાયેલી મુખ્ય કામગીરી અંતર્ગત સાવલી, વાઘોડિયા અને ડેસર તાલુકામાં સઘન સર્વે અને આરોગ્ય વિતરણની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. સાવલી તાલુકાના મુવાલ, મોટા મોતીપુરા-પ્રતાપનગર અને વસંતપુરા ગામમાં પશુ દવાખાના સાવલીની ટીમ દ્વારા જરૂરી રસીકરણ તથા કૃમિનાશક દવાનું વિતરણ કરીને પશુપાલકોને આપત્તિ સમયની સાવચેતી અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. આ સાથે જ વાઘોડિયા તાલુકાના કાશીપુરા, રાજનગર, ભરવાડીયાપુરા અને માણોદર ગામમાં તથા ડેસર તાલુકાના વેજપુર સહિતના વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં ડિઝાસ્ટર સર્વેની કામગીરી હાથ ધરી ડી-વર્મિંગ દવા વિતરણ અને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે.

કરજણ તાલુકાના સમારા, સમારી, મેથી અને કહોના ગામોમાં ખાસ સર્વે હાથ ધરી બીમાર પશુઓની સ્થળ પર સારવાર અને કૃમિનાશક દવા આપવાની સાથે યોગ્ય સલાહ-સૂચનો પૂરાં પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય પૂર અસરગ્રસ્ત વિસ્તાર જેવા કે ભીલાપુર ખાતે પશુઓમાં રસીકરણ, ડી-વર્મિંગ અને ત્વરિત સારવાર હાથ ધરાઈ હતી. વેમાલી ગામે ડિઝાસ્ટર સર્વે અંતર્ગત વિશેષરૂપે 'ગળસુંઠા' રોગ વિરોધી રસીકરણ અને ડી-વર્મિંગ કામગીરી કરાઈ હતી, જ્યારે સલાડ ગામે પણ અન્વયે સર્વે હાથ ધરીને જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

બીજી તરફ, સાવલી પંથકમાં ભારે વરસાદ બાદ વિવિધ વિસ્તારોમાંથી પાણી ઓસરતાં જ નાગરિકોના આરોગ્ય અને સુવિધાને ધ્યાને રાખીને સાવલી નગરપાલિકા તંત્ર દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પાણી ભરાવાના કારણે માર્ગો પર જમા થયેલા કાદવ-કચરાનો તાત્કાલિક નિકાલ કરવામાં આવી રહ્યો છે, જેથી વિસ્તારમાં ગંદકી કે રોગચાળો ન ફેલાય અને વાહનવ્યવહાર ઝડપથી પૂર્વવત થઈ શકે.

નગરપાલિકા તંત્ર દ્વારા ખાસ કરીને સાવલી મેઇન બજાર, બારોટવાગા વિસ્તાર, ભીમનાથ મંદિર અને પોઇચા ચોકડી જેવા વરસાદથી અસરગ્રસ્ત મુખ્ય વિસ્તારોમાં ઝુંબેશરૂપે સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે. આમ, વડોદરા જિલ્લા પશુપાલન વિભાગ અને સાવલી નગરપાલિકાના આ દ્વિમુખી અને સઘન પ્રયાસોથી વરસાદી આપત્તિ બાદ રોગચાળા પર નિયંત્રણ મેળવી જનજીવન તથા પશુધનને સુરક્ષિત રાખવાની કામગીરી સફળતાપૂર્વક આગળ વધી રહી છે.

Share :

Leave a Comments