- બાઇકસવાર પાસેથી 1 કિલો 980 ગ્રામ ગાંજો મળ્યો, હીરાબાગ સોસાયટીના મકાનમાંથી ઘરઘંટીમાં છુપાવેલો આશરે બે કિલો જથ્થો મળી આવ્યો
વડોદરામાં કરજણના નવા બજારના એક ઘરમાં ઘરઘંટીમાં છુપાવેલો તેમજ તાલુકાના હાંડોદ ગામે બાઇક પર ગાંજાનો જથ્થો લઇને જતા કુલ બે શખ્સોને ગઇ રાત્રે ઝડપી પાડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ પાદરા તાલુકાના અભોર ગામનો રહીશ મહેન્દ્રસિંહ ઉર્ફે લાલો નાનસિંહ જારીયા ગાંજાનો જથ્થો પોતાની બાઇક પર લઇને કરજણથી અભોર તરફ જઇ રહ્યો છે તેવી માહિતીના આધારે જિલ્લા એસઓજી પોલીસે કરજણથી અભોર જતા રોડ પર વોચ ગોઠવી હતી. બાતમી મુજબની બાઇક લઇને મહેન્દ્રસિંહ પસાર થતાં તેને રોકી તેની પ્રાથમિક પૂછપરછ બાદ તેની પાસેના થેલામાં તપાસ કરતા 1 કિલો 980 ગ્રામ ગાંજાનો જથ્થો મળ્યો હતો. પોલીસે તેની પાસેથી ગાંજાનો જથ્થો, બાઇક તેમજ એક મોબાઇલ કબજે કરી તેની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય બનાવમાં કરજણમાં નવાબજાર વિસ્તારમાં આવેલી હીરાબાગ સોસાયટીમાં રહેતો કાલુ વલીમહંમદ પઠાણ પોતાના ઘરમાં ગાંજાનો જથ્થો રાખી તેનું છૂટક વેચાણ કરે છે તેવી માહિતીના આધારે કરજણ પોલીસે ગઇરાત્રે દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. ઘરમાં તિજોરીની બાજુમાં મુકેલી ઘરઘંટી ચેક કરતા તેમાંથી બદામી કલરની સેલોપેટ લગાડેલ ગાંજાનું પેકેટ મળ્યું હતું. પોલીસે આશરે 2 કિલો ગાંજો, મોબાઇલ સહિત કુલ રૂ.1.10 લાખનો મુદ્દામાલ કબજે કરી વલમહંમદની અટકાયત કરી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે.


