- અગાઉ ચાર વખત સગીરા પ્રેમી સાથે ભાગી જતાં તેને સમજાવીને પરત લાવવામાં આવી હતી
- મધરાતે નોકરીએથી ઘરે જતાં એક ગ્રામજને અભયમની મદદ મેળવી કાઉન્સેલિંગ બાદ માતા-પિતાને પરત સોંપી હતી
સોશિયલ મીડિયાના માધ્યમથી કુમળીવયે પ્રેમના ચક્કરમાં ફસાતી કન્યાઓ કેવી દયનિય સ્થિતિમાં મૂકાતી હોય છે અને તેના પરિવારજનો પણ કેવી ક્ષોભજનક સ્થિતિમાં મુકાતા હોય છે તેના વારંવાર કિસ્સા બહાર આવતા હોય છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના એક ગામમાં બનેલો આવો જ એક કિસ્સો પરિવારજનો માટે માથાનો દુઃખાવારૂપ બન્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, 14 વર્ષની એક વિદ્યાર્થિની નજીકના ગામના તેનાથી 10 વર્ષ મોટા યુવકના પરિચયમાં આવી હતી અને યુવકે તેને પ્રેમજાળમાં ફસાવી સપના બતાવ્યા હતા. સગીરા તેના પરિવારજનોને પણ ગાંઠતી નહતી અને પ્રેમીને મળવા દોડી જતી હતી.
અગાઉ ચાર વખત સગીરા પ્રેમી સાથે ભાગી જતાં તેને સમજાવીને પરત લાવવામાં આવી હતી. બે દિવસ પહેલાં પ્રેમી યુવકે તેને પોતાને ઘરે આવી જવા કહ્યું હતું, જેથી ભાન ભૂલેલી સગીરા કાંઇપણ વિચાર્યા વગર મધરાત્રે યુવકના ઘર સુધી પહોંચી ગઇ હતી. જો કે યુવકે તેને ઘરમાં એન્ટ્રી નહિ આપી પાછી ચાલી જવા કહેતાં સગીરા ભટકતી થઇ હતી.
મધરાત્રે નોકરીએથી ઘરે આવી રહેલા એક સદ્ગૃહસ્થે એકલી કન્યાને રઝળતી હાલતમાં જોતાં તેને શંકા ગઇ હતી અને પૂછપરછ કરી હતી. કન્યાએ બહેનપણીને ત્યાં જવું છે, પણ ઘર મળતું નથી તેવા બહાના બતાવ્યા હતા. નોકરીયાત ગ્રામજને તેને બહેનપણીનું ઘર શોધવા ઘણી પૂછપરછ કરી હતી પણ સગીરા ગોળગોળ જવાબો આપતી હતી.
આખરે સદ્ગૃહસ્થ કન્યાને બચાવવાના ઇરાદે પોતાને ઘેર લઇ ગયા હતા અને ત્યાંથી અભયમને જાણ કરતાં ટીમે તેનું કાઉન્સેલિંગ કર્યું હતું. આ દરમિયાન વિદ્યાર્થિની તેના માતા-પિતા વિશે કોઇ માહિતી આપતી નહિ હોવાથી તેની પાસે મળેલા એક નંબરને આધારે તેના માતા-પિતાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેઓ આવી જતાં પરોઢિયે સુરક્ષિત રીતે સોંપી દેવામાં આવી હતી.


