- અગાઉ દુકાનોના દબાણો દૂર કરાયા હતા, હવે અન્ય દબાણો અંગે ફરિયાદ કરનાર પૂર્વ દબાણધારકોને લઈને સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે
વડોદરાના તાંદળજા વિસ્તારમાં દબાણો દૂર કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ પહોંચી છે. લીમડીવાળું ફળિયા ખાતે કમ્પાઉન્ડ વોલનાં દબાણો દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરી દરમિયાન જે.પી. રોડ પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવાયો છે.

મળતી માહિતી મુજબ, લીમડીવાળું ફળિયા ખાતે કમ્પાઉન્ડ વોલના દબાણો અંગે સીએમ ઓનલાઇન પોર્ટલ પર ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે, અગાઉ આ જ સ્થળે દુકાનોના દબાણો દૂર કરવામાં આવ્યાં હતા. સ્થાનિક સ્તરે આ કાર્યવાહી પાછળ એક રસપ્રદ ચર્ચા પણ ચાલી રહી છે. અગાઉ જેમનાં દુકાનોના દબાણો તૂટ્યાં હતાં, તેમણે હવે અન્યના દબાણો અંગે ફરિયાદ કરી હોવાની ચર્ચા છે. જેને પગલે સ્થાનિકોમાં 'મારાં દબાણો તૂટ્યાં તો બીજાનાં દબાણો કેમ નહીં?' જેવી ચર્ચાએ જોર પકડ્યું છે.


