- ઇન્સ્ટાગ્રામ પર એક હજારમાં 3 સાડીનો ઓર્ડર આપ્યો હતો, જવાહરનગર પોલીસમાં ફરિયાદ
ઓનલાઇન ડ્રેસ ખરીદનાર વેપારી સાયબર ગઠિયાઓની જાળમાં ફસાયા હતા અને તેમના એકાઉન્ટમાંથી ૫૦,૪૬૫ રૂપિયા ટ્રાન્સફર થઇ ગયા હતા. જે અંગે જવાહરનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આણંદ જિલ્લાના વાસદ તાલુકાના રાજુપુરા ગામે રહેતા સંદીપભાઇ બાબુભાઇ મહેશ્વરી વડોદરાના રણોલી ગામે સુખ શાંતિ સ્ટોરના નામે અનાજ કરિયાણાની દુકાન ચલાવે છે. જવાહરનગર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૧૫મી ઓક્ટોબરે ઇન્સ્ટાગ્રામ પર શગુન ફેશન સુરતની આઇ.ડી. પર એક સાડીની રિલ જોઇ હતી. તેના પર મેં ક્લિક કરી સંપર્ક કરી એક હજારમાં ત્રણ સાડી ખરીદી હતી. તેના રૂપિયા તેઓએ મોકલેલા બારકોડ પર મોકલી દીધા હતા.
બે દિવસ પછી મારા મોબાઇલ પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. વાત કરનાર વ્યક્તિએ કહ્યું કે, તમારૂં પાર્સલ આવી ગયું છે, પણ તમે જણાવેલો રસ્તો મને મળતો નથી. મારૂં ગૂગલ મેપ ચાલતું નથી. તમે મારા નંબર પર ૧,૯૬૦ રૂપિયા મોકલી આપો. તમારી ત્યાં આવીને હું તે રૂપિયા પરત કરી દઇશ. જેથી, મેં તેનામાં ૧,૯૬૦ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ, ટ્રાન્ઝેક્શન ફેલ ગયું હતું. ત્યારબાદ તેણે ફોન કરીને કહ્યું કે, મેં તમારા વોટ્સએપ પર એક લિન્ક મોકલી છે. મેેં તે લિન્ક પર ક્લિક કરતા જ મારા બેન્ક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટમાંથી ૫૦,૪૬૫ રૂપિયા ડેબિટ થઇ ગયા હતા.


