- રૂ.7.58 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો, બંટી અને લાલુ સહિત અન્ય ત્રણ શખ્સોની સંડોવણી સામે આવતાં વોન્ટેડ જાહેર કરાયા
વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં વાઘોડિયા રોડ પર આવેલી રતિલાલ પાર્ક સોસાયટી પાસે પી.સી.બી. (PCB) પોલીસે બાતમીના આધારે રેડ કરીને ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે વિદેશી દારૂ, અર્ટિગા કાર, મોબાઈલ અને રોકડ મળી કુલ રૂ.7,58,955નો મુદ્દામાલ કબ્જે કર્યો છે, જ્યારે ત્રણ આરોપીઓની ધરપકડ કરી અન્ય ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આગામી તહેવારોને ધ્યાનમાં રાખી પ્રોહિબિશનની પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના હેઠળ પી.સી.બી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે તા.20/11/2026ના રોજ રાત્રે 2315 વાગ્યે રતિલાલ પાર્ક સોસાયટીના મકાન નં.108 પાસે મહારાષ્ટ્ર પાસિંગની અર્ટિગા કારમાંથી દારૂ ઉતારતા ત્રણ શખ્સોને ઝડપી લેવાયા હતા.
પોલીસે (1) શિવમ ઓમપ્રકાશ સરોજ (ઉં.વ.21, રહે. પ્રયાગરાજ, ઉત્તરપ્રદેશ-કાર ચાલક), (2) પંકજ નંદુભાઈ કહાર (ઉં.વ.30, રહે. રતિલાલ પાર્ક સોસાયટી, પાણીગેટ, વડોદરા) અને (3) પાર્થ ઉર્ફે સોનું રાજુભાઈ બ્રહ્મભટ્ટ (ઉં.વ.32, રહે. પાણીગેટ, વડોદરા)ની ધરપકડ કરી છે. કારની સીટો તથા પાછળના ખાનામાંથી વ્હિસ્કી અને વોડકાની કુલ 764 બોટલો (કિંમત રૂ.2,41,975) મળી આવી હતી. આ ઉપરાંત રૂ.5,00,000ની અર્ટિગા કાર, રૂ. 15,000ના ત્રણ મોબાઈલ અને રૂ.1,980 રોકડા જપ્ત કરાયા છે.
પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું કે ધુલિયા ટોલ નાકા પાસેથી બંટી નામના શખ્સે કાર આપી હતી અને વોટ્સએપ નંબર ધારકના સૂચન મુજબ ડિલિવરી અપાઈ રહી હતી. દારૂનો જથ્થો પંકજના ભાઈ લાલુ નંદુભાઈ કહારે મંગાવ્યો હોવાનું પણ સામે આવ્યું છે.ભારત સમાચાર


