- સુરતના કામરેજથી ગોલ્ડન ચોકડી તરફ આવી રહ્યા હતા, મૃતક રઘુભાઈ ભરવાડને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડાયા હતા
સુરતથી બૂલેટ લઇને વડોદરા રહેતી બહેનને મળવા આવતા ૬૭ વર્ષના વૃદ્ધ ભાઇને ટેમ્પા ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજા થતા મોત થયું છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સુરત જિલ્લાના કામરેજ તાલુકાના શેખપુર ગામે ભરવાડ ફળિયામાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા રઘુભાઇ ગાંડાભાઇ ભરવાડ (ઉં.વ.૬૭) આજે સવારે ૭ વાગ્યે બૂલેટ લઇને સુરતથી વડોદરા ગોલ્ડન ચોકડી પાસે આવવા નીકળ્યા હતા. વડોદરા બાયપાસ હાઇવે પર જાંબુવા નજીક એક ટેમ્પા ચાલકે બૂલેટને ટક્કર મારતા રઘુભાઇ રોડ પર પટકાતા ગંભીર ઇજા થઇ હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.પરંતુ, તેઓનો જીવ બચી શક્યો નહતો. ટેમ્પા ચાલકે રોડની બાજુમાં જ ટેમ્પો મૂકી દીધો હતો. કપુરાઇ પોલીસે ગુનો દાખલ કરી ટેમ્પો ચાલક ગિરીશ રમેશભાઇ રાજગોર (રહે. અક્ષર સિટિ કોમ્પલેક્સ, આજી ડેમ ચોકડી, રાજકોટ) ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


