- આરોગ્ય વિભાગના અગ્ર સચિવ રાજીવ ટોપનોએ સુપ્રિ. રંજન ઐયરની કામગીરી બિરદાવી
વડોદરા શહેરની સરકારી સયાજી હોસ્પિટલને આરોગ્ય ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. સમગ્ર ગુજરાતમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB PMJAY-MA) હેઠળ પ્રક્રિયા કરવામાં આવેલા અને ચૂકવવામાં આવેલા દાવાઓની સૌથી વધુ સંખ્યામાં સયાજી હોસ્પિટલને ત્રીજો ક્રમ પ્રાપ્ત થયો છે.
સયાજી હોસ્પિટલના સુપ્રિ. રંજન ઐયરની કામગીરીની આરોગ્ય વિભાગના અગ્ર સચિવ રાજીવ ટોપનોએ સરાહના કરી હતી. આ સિદ્ધિ હોસ્પિટલ માટે ગૌરવ સમાન બની છે. યોજનાનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ પરિવારોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. યોજના હેઠળ પાત્રતા ધરાવતા દર્દીઓને નિર્ધારિત નિયમો મુજબ કેશલેસ સારવારની સુવિધા આપવામાં આવે છે. સયાજી હોસ્પિટલમાં વિવિધ પ્રકારની સારવાર માટે મોટી સંખ્યામાં દર્દીઓ આવે છે. હોસ્પિટલ દ્વારા દર્દીઓને યોજનાનો લાભ મળી રહે તે માટે જરૂરી પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવે છે.
દાવાઓની પ્રક્રિયા અને ચુકવણીના મામલે રાજ્યમાં ત્રીજું સ્થાન મેળવવું એ હોસ્પિટલના આરોગ્યકર્મીઓ, તબીબો અને વહીવટી વિભાગના સંકલિત પ્રયાસોનું પરિણામ માનવામાં આવે છે. ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને સરકારી આરોગ્ય સેવાઓનો વધુમાં વધુ લાભ મળી રહે તે દિશામાં આ સિદ્ધિ મહત્વપૂર્ણ સાબિત થશે. સયાજી હોસ્પિટલની સિદ્ધિ વડોદરા શહેરનું નામ પણ રાજ્યસ્તરે ગૌરવભેર ઉજાગર થયું છે.


