- પરિવાર લોખંડની જાળીને લોક મારી ઉપરના માળે સૂવા ગયો હતો
- જીવનભારતી ચાર રસ્તા પાસે વેપારીના મકાનમાં સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા આનંદનગર સ્કાય હાર્મોની ફ્લેટની સામેના મકાનમાં અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હોવાની ઘટના સામે આવી છે. પરિવારના સભ્યો ઉપરના માળે સૂતા હતા ત્યારે તસ્કરોએ મુખ્ય દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશી તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ 5.90 લાખની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે કારેલીબાગ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદની વિગતો મુજબ, કારેલીબાગમાં રહેતા અને જીવનભારતી ચાર રસ્તા પાસે 'જલારામ પાન' તથા બરોડા ડેરીનું દૂધ સેન્ટર ચલાવતા જીગ્નેશભાઈ અશોકભાઈ ઠક્કર દુકાન પર હાજર હતા, જ્યારે તેમના પત્ની અને બાળકો રાત્રે આશરે 11 વાગ્યે જમીને ઉપરના માળે સૂઈ ગયા હતા. ત્યારબાદ જીગ્નેશભાઈ રાત્રે આશરે 2.30 વાગ્યાના અરસામાં ઘરે પરત ફર્યા હતા અને મુખ્ય દરવાજાની લોખંડની જાળીને લોક મારી ઉપરના માળે સૂવા ગયા હતા.
વહેલી સવારે આશરે 5.20 વાગ્યે બાજુના મકાનમાં રહેતા તેમના મોટાભાઈ અજયભાઈ ઠક્કરે ફોન કરીને ઘરનો દરવાજો ખુલ્લો હોવાની જાણ કરી હતી. જીગ્નેશભાઈએ નીચે આવીને તપાસ કરતા મુખ્ય દરવાજાનું લોક તૂટેલી હાલતમાં અને લોખંડની જાળી ખુલ્લી જોવા મળી હતી. ઘરની અંદરના રૂમમાં મુકેલી લોખંડની તિજોરીનું લોક પણ તૂટેલું હતું અને તેના લોકર તથા ડોવર ખુલ્લા જણાયા હતા, જેમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ 5,90,000 ની માતા ચોરી ફરાર થઈ જતા કારેલીબાગ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


